
IPL 2025 હવે તેના રોમાંચક વળાંક પર છે. જેમ જેમ લીગ સ્ટેજ તેના અંત તરફ આગળ વધી રહ્યો છે, તેમ તેમ પ્લેઓફનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે, ગુજરાત ટાઈટન્સ (GT), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) એ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. પરંતુ ચોથી ટીમ હજુ નક્કી નથી થઈ, પ્લેઓફમાં ચોથા સ્થાન માટે ત્રણ ટીમો દિલ્હી કેપિટલ્સ (DC), મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી શકે છે.
ગુજરાત ટાઈટન્સનો દબદબો
ગુજરાત ટાઈટન્સ (GT) એ આ ટૂર્નામેન્ટની શરૂઆતથી જ સારું પ્રદર્શન કર્યું છે અને 12 માંથી 9 મેચ જીતી છે. ટીમના 18 પોઈન્ટ છે અને તે હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. દિલ્હી કેપિટલ્સ (DC)સામે 10 વિકેટથી મળેલી મોટી જીતથી GTના આત્મવિશ્વાસમાં વધુ મજબૂતી આવી છે.
બેંગલુરુ અને પંજાબ પણ ક્વોલિફાય થયા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) બીજા સ્થાને છે, જેણે 12 મેચમાં 17 પોઈન્ટ મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચ વરસાદને કારણે રદ્દ થતાં RCBને એક પોઈન્ટ મળ્યો, જેનાથી પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત થયું. બીજી તરફ, પંજાબ કિંગ્સ (PBKS) એ રાજસ્થાન રોયલ્સ (RR) ને હરાવીને પોતાનો દાવો મજબૂત કર્યો અને ત્રીજી ટીમ તરીકે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
ચોથા સ્થાન માટે લડાઈ
મુંબઈ ઈન્ડિયન્સ (MI) હાલમાં 12માંથી 7 મેચ જીતીને 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, અને તેની છેલ્લી મેચો ખૂબ જ મહત્ત્વ'પૂર્ણ બનવાની છે. જો તે જીતી જાય તો ચોથા સ્થાન માટેનો તેનો દાવો વધુ મજબૂત બનશે. દિલ્હી કેપિટલ્સ (DC) ના 13 પોઈન્ટ છે અને તેને પણ પોતાની છેલ્લી મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો પર પણ નજર રાખવી પડશે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સૌથી નાજુક સ્થિતિમાં છે; તેને ફક્ત તેની મેચ જ નહીં જીતવી પડે, પરંતુ અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે.