
રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કેપ્ટન હાર્દિક પંડ્યાને ગંભીર ઈજા થઈ હતી. તેની આંખ માંડ માંડ બચી. આંખ ઉપર ઈજા થયા બાદ તેને 7 ટાંકા લેવા પડ્યા, તેમ છતાં કેપ્ટને ખૂબ જ જુસ્સો બતાવ્યો અને મેદાન પર આવ્યો.
પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ (MI) 217 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. રિયન રિકેલ્ટન અને રોહિત શર્માએ MIને સારી શરૂઆત અપાવી હતી, પ્રથમ વિકેટ માટે 116 રનની પાર્ટનરશિપ કરી હતી. રિકેલ્ટન 38 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો હતો, આ ઈનિંગમાં તેણે 3 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.
રોહિત શર્માએ 36 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. રોહિતના આઉટ થયા પછી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ 94 રનની અણનમ પાર્ટનરશિપ કરી હતી. સૂર્યા અને હાર્દિકે 48-48 રન બનાવ્યા, બંને અણનમ રહ્યા અને બંનેએ 23-23 બોલ રમ્યા હતા.
મેચ પહેલા હાર્દિક પંડ્યાને 7 ટાંકા આવ્યા હતા
જ્યારે હાર્દિક પંડ્યા ટોસ માટે આવ્યો ત્યારે તેની આંખ પર પાટો બાંધેલો હતો અને તેણે ચશ્મા પણ પહેર્યા હતા. પછી ખબર પડી કે મેચ પહેલા તેની આંખની ઉપર ઈજા થઈ હતી અને તેને 7 ટાંકા આવ્યા હતા, તેમ છતાં તેણે આરામ ન લીધો અને તેના બદલે મહત્ત્વપૂર્ણ મેચમાં મેદાનમાં ઉતર્યો હતો.
હાર્દિક પંડ્યાએ તોફાની ઈનિંગ રમી, તેણે 23 બોલમાં 1 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. ટાર્ગેટ ચેઝ કરતી વખતે, RRની આખી ટીમ 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને MI એ 100 રનથી મોટી જીત નોંધાવી. શાનદાર બેટિંગ બાદ કેપ્ટન હાર્દિકે 1 વિકેટ પણ લીધી હતી. તેણે ફક્ત 1 ઓવર ફેંકી, જેમાં તેણે શુભમ દુબેને ફક્ત 2 રન આપ્યા, જે એક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો.
IPL 2025 પોઈન્ટ્સ ટેબલમાં MI ટોપ પર
પહેલી 5 મેચમાં સંઘર્ષ કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ હવે જીતના રથ પર સવાર છે. તેણે સતત 6 મેચ જીતી છે. IPL 2025માં 11 મેચમાં આ તેની 7મી જીત છે. 14 પોઈન્ટ સાથે, ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. હવે જો તે વધુ એક મેચ જીતે છે, તો પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે.