
IPL 2025ના મેગા ઓક્શનમાં, ફ્રેન્ચાઈઝીએ કેટલાક સ્ટાર ખેલાડીઓ માટે પોતાનો ખજાનો ખોલ્યો હતો. કેટલાક ખેલાડીઓને તેમની ટીમમાં સમાવવા માટે એવી સ્પર્ધા હતી કે ઘણા રેકોર્ડ તૂટ્યા હતા. રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે પંત IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો. શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ પણ કરોડોમાં વેચાયા હતા. IPL 2025ની શરૂઆત શાનદાર રહી છે. અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ ચૂકી છે. ચાલો જાણીએ IPL 2025માં અત્યાર સુધીના 5 સૌથી મોંઘા ખેલાડીઓએ કેવું પ્રદર્શન કર્યું છે? સિઝન હજુ ઘણી લાંબી છે. ફાઈનલ સહિત કુલ 74 મેચ રમવાની છે, પરંતુ સ્ટાર ખેલાડીઓએ કેવી શરૂઆત કરી છે, તે જોવા મળ્યું છે.
સૌથી મોંઘા ખેલાડી રિષભ પંતનું પ્રદર્શન
લખનૌ સુપર જાયન્ટ્સે મેગા ઓક્શનમાં રિષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. હવે નજર પંતના પ્રદર્શન પર છે. તે લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે. અત્યાર સુધી તેની ટીમે ફક્ત એક જ મેચ રમી છે. બીજી મેચ આજે (27 માર્ચ) હૈદરાબાદ સાથે છે. લખનૌ સુપર જાયન્ટ્સે પોતાની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી અને પંત તેમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. બેટિંગમાં, વિકેટકીપિંગમાં અને કેપ્ટનશિપમાં પણ. આશુતોષ શર્માની તોફાની ઈનિંગને કારણે દિલ્હીએ શાનદાર જીત નોંધાવી હતી. બેટિંગ સમયે પંતે 6 બોલનો સામનો કર્યો અને ખાતું ખોલાવ્યા વિના જ પવેલિયન પરત ફરવું પડ્યું. વિકેટકીપિંગ કરતી વખતે, તે છેલ્લી ઓવરમાં સ્ટમ્પિંગ પણ ચૂકી ગયો, જેના પરિણામે ટીમની હાર થઈ. મેચ પછી, LSGના માલિક સંજીવ ગોયન્કા સાથેનો તેનો ફોટો પણ વાયરલ થયો હતો જેમાં તેની ક્લાસ લેવાઈ રહી હતી. ગુરુવારની મેચમાં પંતના પ્રદર્શન પર ખાસ ધ્યાન રહેશે.
અત્યાર સુધીનું પ્રદર્શન - સુપર ફ્લોપ
શ્રેયસ અય્યરનું પ્રદર્શન
પંત પછી શ્રેયસ અય્યર મેગા ઓક્શનમાં બીજો સૌથી મોંઘો ખેલાડી હતો. પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો, એટલે કે અય્યરને પંત કરતા ફક્ત 25 લાખ રૂપિયા ઓછા મળ્યા હતા. પંજાબે તેને કેપ્ટન પણ બનાવ્યો છે. જો આપણે તેના પ્રદર્શન વિશે વાત કરીએ તો, પંજાબ કિંગ્સે અત્યાર સુધી ફક્ત એક જ મેચ રમી છે અને તે મેચમાં અય્યરે માત્ર 42 બોલમાં 97 રનની શાનદાર અણનમ ઈનિંગ રમી હતી. તે ભલે સદી ચૂકી ગયો હોય, પણ આ તેની IPLમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ ઈનિંગ છે. તે કેપ્ટનશિપમાં પણ શ્રેષ્ઠ હતો. જ્યારે ઈનિંગના 6 બોલ બાકી હતા અને તે 97 રન પર હતો, ત્યારે શશાંક સિંહ સ્ટ્રાઈક પર હતો. જો અય્યર ઈચ્છત તો સિંગલ માંગીને સદી ફટકારી શક્યો હોત પરંતુ તેણે વ્યક્તિગત રેકોર્ડ કરતાં ટીમને વધુ મહત્ત્વ આપ્યું હતું. જેના કારણે ટીમ 11 રનથી મેચ જીતી હતી.
અત્યાર સુધીનું પ્રદર્શન - સુપર હિટ
વેંકટેશ અય્યરનું પ્રદર્શન
IPL 2025ના મેગા ઓક્શનમાં વેંકટેશ અય્યર ત્રીજો સૌથી મોંઘા ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLની આ સિઝનની પહેલી મેચ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આમાં કોલકાતાને 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. વેંકટેશ અય્યરના પ્રદર્શનની વાત કરીએ તો, આ મેચમાં તેણે 7 બોલમાં ફક્ત 6 રન બનાવ્યા હતા. બુધવારે રમાયેલી તેની બીજી મેચમાં કોલકાતાએ રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવીને જીતનું ખાતું ખોલ્યું. આ મેચમાં વેંકટેશ અય્યરને તક નહતી મળી.
અત્યાર સુધીનું પ્રદર્શન - ફ્લોપ
અર્શદીપ સિંહનું પ્રદર્શન
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ આ IPL સીઝનનો ચોથો સૌથી મોંઘો ખેલાડી છે. તેને પંજાબ કિંગ્સે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મંગળવારે, ટીમે આ સિઝનની પહેલી મેચ રમી અને ગુજરાતને 11 રનથી હરાવ્યું હતું. જો આપણે અર્શદીપના પ્રદર્શનની વાત કરીએ તો, આ મેચમાં તેણે 4 ઓવરમાં 36 રન આપીને 2 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તે મેચમાં તેની ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો.
અત્યાર સુધીનું પ્રદર્શન - શાનદાર
યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન
યુઝવેન્દ્ર ચહલ પણ આ IPL સિઝનનો ચોથો સૌથી મોંઘો ખેલાડી છે. પંજાબ કિંગ્સે તેને પણ 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આમ જોઈએ તો આ સિઝનના 5 સૌથી મોંઘા ખેલાડીઓમાંથી 3 પંજાબ કિંગ્સના છે. ટીમે પોતાની પહેલી મેચ જીતીને શાનદાર શરૂઆત કરી છે. અત્યાર સુધી પંજાબે ફક્ત એક જ મેચ રમી છે. જો યુઝવેન્દ્ર ચહલના પ્રદર્શનની વાત કરીએ તો, મંગળવારે ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મેચમાં તેણે 3 ઓવર ફેંકી હતી અને 34 રન આપ્યા હતા. જોકે તેને એકપણ વિકેટ નહતી મળી.
અત્યાર સુધીનું પ્રદર્શન - એવરેજ