
IPLની 18મી સિઝનમાં, 30 માર્ચે 2 મેચ રમાઈ હતી, જેમાં પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી, જ્યારે બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. બંને મેચના પરિણામો પછી, પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો જેમાં દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં સતત બીજી જીત બાદ બીજા સ્થાને કબજો કર્યો છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ ટીમે પણ સતત બે હારનો સિલસિલો સમાપ્ત કરીને જીતનું ખાતું ખોલ્યું છે.
દિલ્હી કેપિટલ્સે મોટી છલાંગ લગાવી
અક્ષર પટેલની કેપ્ટનશિપ હેઠળ રમી રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયો હતો, જેમાં તેણે 164 રનનો ટાર્ગેટ માત્ર 16 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો, જેનાથી તેની નેટ રન રેટમાં પણ નોંધપાત્ર સુધારો થયો હતો અને મહત્ત્વપૂર્ણ 2 પોઈન્ટ પણ મળ્યા હતા. હવે દિલ્હી કેપિટલ્સ 2 મેચમાં 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે પોઈન્ટ્સ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ 2-2 પોઈન્ટ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે. આ પછી પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પણ 2-2 પોઈન્ટ સાથે પાંચમા અને છઠ્ઠા સ્થાને છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુશ્કેલીઓ વધી
આ સિઝનમાં અત્યાર સુધી, ફક્ત મુંબઈ ઈન્ડિયન્સે જીતનું ખાતું નથી ખોલ્યું તેથી તે પોઈન્ટ્સ ટેબલમાં દસમા સ્થાને છે. તેણે 2 મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સે CSKને 6 રનથી હરાવ્યું અને 2 પોઈન્ટ મેળવ્યા છે. હવે તે પોઈન્ટ્સ ટેબલમાં 9મા સ્થાને છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને તેમની છેલ્લી 2 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેમની નેટ રન રેટ માઈનસમાં છે. હવે તેમની સમસ્યાઓ વધતી જતી હોય તેવું લાગે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 2-2 સાથે અનુક્રમે સાતમા અને આઠમા સ્થાને છે.