
આ દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. વધતી જતી લશ્કરી અથડામણને કારણે શુક્રવારે IPL 2025 મુલતવી રાખવામાં આવી હતી. BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં ટૂર્નામેન્ટ ચાલુ રાખવી યોગ્ય નહીં રહે.
IPL તરફથી માહિતી મળી છે કે 18મી સિઝન એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. IPL 2008માં શરૂ થઈ હતી. ત્યારથી, ઘણી વખત એવું બન્યું છે કે લીગ મુલતવી રાખવી પડી હોય અથવા તેને દેશની બહાર આયોજિત કરવી પડી હોય.
IPL 2009
IPLની બીજી જ સિઝન સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી. 2009માં યોજાયેલી લોકસભા ચૂંટણીને કારણે, લીગને દેશની બહાર લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૂંટણી અને IPLની તારીખો વચ્ચે ટક્કર ટાળવા માટે, લીગ સાઉથ આફ્રિકામાં રમાઈ હતી.
IPL 2014
2009 પછી, 2014માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. આવી સ્થિતિમાં, ફરી એકવાર લીગની તારીખો અને ચૂંટણીઓ વચ્ચે સંઘર્ષ થયો. લીગની 7મી સિઝન યુએઈ અને ભારતમાં યોજાઈ હતી. 2014માં IPLની પહેલી 20 મેચ યુએઈમાં રમાઈ હતી. આ પછી બાકીની મેચો ભારતમાં યોજાઈ હતી.
IPL 2020
કોરોના મહામારીને કારણે, IPL 2020 યુએઈમાં રમાઈ હતી. આ સમયગાળા દરમિયાન, ખેલાડીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કોવિડ-પોઝિટિવ ખેલાડીઓને મેચ રમવાની મંજૂરી નહતી આપવામાં આવી. એટલું જ નહીં, ખેલાડીઓને ક્વોરેન્ટાઈન પણ કરવામાં આવતા હતા. આ સમયગાળા દરમિયાન ઘણા ખેલાડીઓ લીગ અધવચ્ચે જ છોડી ગયા હતા.
IPL 2021
કોરોના વાયરસે 2021માં પણ તબાહી મચાવી હતી. આવી સ્થિતિમાં, IPL 2021ને અધવચ્ચે જ મુલતવી રાખવી પડી હતી. કોલકાતા અને બેંગ્લોર વચ્ચેની 30મી મેચ પહેલા ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. આ પછી, લીગની બાકીની સિઝન યુએઈમાં આયોજિત કરવામાં આવી.