
IPL 2025ની 58મી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાવવાની હતી. જોકે, વરસાદને કારણે આ મેચ રદ્દ કરવી પડી હતી. બેંગલુરુમાં સાંજથી જ ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે આ મેચમાં ટોસ પણ ન થઈ શક્યો અને અંતે તેને મેચ રદ્દ કરવી પડી. મેચ રદ્દ થવાથી KKRને મોટો ઝટકો લાગ્યો છે, તેની ટીમ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે RCBને સત્તાવાર રીતે પ્લેઓફમાં પહોંચવા માટે થોડી રાહ જોવી પડશે.
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવને કારણે IPL એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી હતી. તે પછી ટૂર્નામેન્ટ 17 મેથી ફરી શરૂ થવાની હતી, પરંતુ તેને ગ્રહણ લાગી ગયું. ટૂર્નામેન્ટ ફરી શરૂ થયા પછીની પહેલી મેચ જ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પાંચ ઓવરની મેચ માટે કટ-ઓફ સમય રાત્રે 10:56 વાગ્યાનો હતો. પરંતુ સાંજથી ભારે વરસાદને કારણે, મેચ રાત્રે 10:23 વાગ્યે રદ્દ કરવામાં આવી હતી.
RCBની આગામી મેચ કઈ ટીમ સામે છે?
આ મેચ રદ્દ થયા બાદ, RCBને હવે તેની આગામી મેચની રાહ જોવી પડશે. તેની આગામી મેચ 23 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થશે. આ મેચ પણ RCBના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ફેન્સ ઈચ્છશે કે તે મેચમાં વરસાદ ન પડે. KKRની વાત કરીએ તો, તેની આગામી મેચ પણ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે છે, આ મેચ 25 મેના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. KKR આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ચોથી ટીમ બની ગઈ છે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
આજે બે મેચ રમાશે
આજે સુપર સન્ડે પર એટલે કે 18 મેના રોજ બે મેચ રમાશે. દિવસની પહેલી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.