
આશુતોષ શર્મા… આ નામ હાલમાં દુનિયાભરના ક્રિકેટ ફેન્સના હોઠ પર છે. આ ખેલાડીએ એવું કામ કર્યું છે. જે કોઈ ચમત્કારથી ઓછું નથી કારણ કે જ્યારે કોઈ ટીમ 40 બોલમાં 5 વિકેટ ગુમાવી દે છે અને 210 રન ચેઝ કરતી હોય છે અને છતાં કોઈ ખેલાડી ટીમને જીત અપાવે છે, ત્યારે તે ચમત્કાર જ કહી શકાય. આશુતોષ શર્માએ પણ લખનૌ સામે આવું જ કર્યું. આ બેટ્સમેને 5 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 66 રનની અણનમ ઈનિંગ રમી. તેણે વિપ્રાજ નિગમ સાથે માત્ર 19 બોલમાં અડધી સદીની પાર્ટનરશિપ કરી અને આ રીતે દિલ્હીએ લખનૌના હાથમાંથી મેચ છીનવી લીધી.
આ રીતે આશુતોષ શર્માએ મેચ જીતી
દિલ્હી કેપિટલ્સ ટીમ લખનૌ સામે સંઘર્ષ કરી રહી હતી. તેણે માત્ર 6.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. મેગર્ક, સમીર રિઝવી, અક્ષર પટેલ, ડુ પ્લેસિસ બધા આઉટ થઈ ગયા, ત્યારબાદ આશુતોષ શર્મા ક્રીઝ પર આવ્યો અને તેને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આશુતોષે પહેલા 20 બોલમાં ફક્ત 20 રન બનાવ્યા, પરંતુ પછીના 11 બોલમાં તેણે 46 રન બનાવ્યા હતા.
આશુતોષ શર્માએ 16મી ઓવરથી આક્રમક હિટિંગ શરૂ કરી. આ ખેલાડીએ પ્રિન્સ યાદવની ઓવરમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા. 18મી ઓવરમાં, આશુતોષે રવિ બિશ્નોઈની ઓવરમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી. પ્રિન્સ યાદવની 19મી ઓવરમાં, આશુતોષ વર્માએ ફરીથી એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો. હવે દિલ્હીને છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી. મોહિત શર્મા પહેલા બોલ પર આઉટ થવાથી બચી ગયો અને બીજા બોલ પર રન લીધો. આ પછી, આશુતોષે શાહબાઝ અહેમદના બોલ પર છગ્ગો ફટકારીને દિલ્હીને ઐતિહાસિક જીત અપાવી. ટાર્ગેટ ચેઝ કરતી વખતે દિલ્હીની આ સૌથી મોટી જીત હતી.
આશુતોષ કેવી રીતે આગળ આવ્યો
આજે દુનિયા આશુતોષ શર્માને સલામ કરી રહી છે પણ એક સમય હતો જ્યારે આ ખેલાડી રસ્તાઓ પર સંઘર્ષ કરી રહ્યો હતો. આ ખેલાડીએ માત્ર 8 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. આશુતોષ શર્માનો જન્મ મધ્યપ્રદેશના રતલામમાં થયો હતો અને તે ક્રિકેટર બનવા માટે ઈન્દોર આવ્યો હતો. માત્ર 10 વર્ષની ઉંમરે, આશુતોષ નાની નાની નોકરીઓ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આશુતોષે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની પાસે ખાવા માટે પૈસા નહતા. પોતાનું ગુજરાન ચલાવવા માટે, તે નાની મેચોમાં અમ્પાયરિંગ કરતો અને લોકોના કપડા પણ ધોતો હતો. પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમય ખુરસિયાએ તેમનું જીવન બદલી નાખ્યું.
ખુરસિયાએ તેની રમત પર કામ કર્યું જેના કારણે તે મધ્યપ્રદેશની ટીમમાં પહોંચ્યો. જોકે, કોઈ અન્ય કારણોસર, તેને તે ટીમ છોડીને રેલ્વે ટીમમાં જોડાવું પડ્યું અને તેને ત્યાં નોકરી પણ મળી ગઈ. આ પછી આશુતોષ શર્મા IPLમાં આવ્યો. 2024માં પંજાબે તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો, જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. 2025માં, તેનું નસીબ બદલાયું. આ વખતે દિલ્હીએ તેના પર બોલી લગાવી અને તેને 3.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને હવે તેણે પહેલી જ મેચથી પોતાની યોગ્યતા સાબિત કરી છે.