
IPL 2025ની 61મી મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે આસાન જીત નોંધાવી હતી. આ મેચ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં SRHની ટીમે 206 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો અને સિઝનમાં ચોથી જીત મેળવી હતી. આ હાર સાથે, LSGની પ્લેઓફમાં પહોંચવાની બધી શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ, અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. આ સિઝનમાં LSGની આ 7મી હાર છે.
લખનૌ એ 205 રન બનાવ્યા
SRH એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. LSG એ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ અને એડન માર્કરામે પ્રથમ વિકેટ માટે 115 રનની પાર્ટનરશિપ કરી. મિચેલ માર્શે 65 રન અને એડન માર્કરામે 61 રન બનાવ્યા હતા. આ પછી, નિકોલસ પૂરને 173.07ની સ્ટ્રાઇક રેટથી 26 બોલમાં 45 રન બનાવ્યા હતા. જોકે, વચ્ચેની ઓવરોમાં, SRHના બોલરોએ નિયમિત અંતરાલે વિકેટો લઈને રન રેટને કંટ્રોલમાં રાખી હતી. ઈશાન મલિંગા SRHનો સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે, હર્ષ દુબે, હર્ષલ પટેલ અને નીતિશ કુમાર રેડ્ડીને 1-1 સફળતા મળી હતી.
જવાબમાં, SRH એ આક્રમક શરૂઆત કરી હતી. અભિષેક શર્માએ 20 બોલમાં 59 રનની તોફાની ઈનિંગ રમી અને શરૂઆતમાં જ મેચ હૈદરાબાદના પક્ષમાં કરી દીધી. ઈશાન કિશન સાથે મળીને તેણે પાવરપ્લેમાં ઝડપથી રન બનાવ્યા. જોકે, દિગ્વેશ રાઠીએ 8મી ઓવરમાં અભિષેકને આઉટ કરીને LSGને થોડી રાહત અપાવી. આમ છતાં, SRHની બેટિંગ લાઈનઅપે ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો. ઈશાન કિશને 28 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું. આ દરમિયાન, હેનરિક ક્લાસેન (47 રન) અને કમિન્ડુ મેન્ડિસ (32 રન) ટીમને જીત તરફ દોરી ગયા. જેના કારણે SRH એ આ મેચ 6 વિકેટથી જીતી લીધી.
લખનૌ ટીમ માટે ખરાબ સિઝન
LSG માટે આ સિઝન પડકારજનક રહી છે. રિષભ પંત અને ડેવિડ મિલરના ખરાબ ફોર્મે ટીમને સતત પરેશાન કરી. જ્યારે નિકોલસ પૂરન પણ સિઝનની સારી શરૂઆત બાદ કંઈ ખાસ ન કરી શક્યો. આ ઉપરાંત, LSGની બોલિંગ, ખાસ કરીને પાવરપ્લેમાં, આ સિઝનમાં સૌથી ખરાબ રહી, જેના કારણે તેની મુશ્કેલીઓમાં વધારો થયો. મયંક યાદવ બોલર ઈજાને કારણે આ સિઝનમાં 2 જ મેચ રમી શક્યો છે.