રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પહેલા એમએસ ધોનીને એક ખાસ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સન્માન તેને IPLમાં 18 સિઝન પૂર્ણ કરવા પર આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે એમએસ ધોની IPLની પહેલી એડિશનથી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. જ્યારે ટીમ પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે તે પુણે તરફથી રમ્યો હતો. તે પછી તે ફરીથી CSKમાં પાછો ફર્યો હતો.
BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયા દ્વારા એમએસ ધોનીને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ચેમ્પિયન બનાવ્યું છે, હાલમાં તે કેપ્ટન નથી પણ ટીમ માટે રમી રહ્યો છે. IPLની 18મી સિઝનની પહેલી મેચમાં વિરાટ કોહલીને પણ આવો જ એક મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો એમએસ ધોની હાલમાં માત્ર IPLમાં રમે છે. અત્યાર સુધીમાં તેણે IPLમાં રમાયેલી 267 મેચોમાં 5273 રન બનાવ્યા છે. IPLમાં તેનો હાઈએસ્ટ સ્કોર 84 રન છે. તેણે લીગમાં 24 અડધી સદી ફટકારી છે.
ધોનીએ કેપ્ટન તરીકે ટીમને જીતાડી આટલી ટ્રોફી
ધોનીએ તેની કેપ્ટનશિપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત (2010, 2011, 2018, 2021 અને 2023) ચેમ્પિયન બનાવ્યું છે. ધોનીએ કેપ્ટન તરીકે માત્ર ચેન્નાઈને જ નહીં પરંતુ ભારતને પણ ઘણી ટ્રોફી જીતાડી છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે 2007માં રમાયેલા T20 વર્લ્ડ કપની પ્રથમ એડિશન જીતી હતી. આ પછી, તેની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
ધોનીને મળેલા એવોર્ડ્સ
એમએસ ધોનીને 2008માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને 2009માં પદ્મશ્રી અને 2018માં પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અન્ય ઘણા તેણે ઘણા એવોર્ડ્સ પણ જીત્યા છે.