
પંજાબ કિંગ્સ (PBKS) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચ પહેલા ગ્લેન મેક્સવેલના સ્થાને અન્ય ખેલાડીની જાહેરાત કરી છે. PBKS એ ઓસ્ટ્રેલિયન ખેલાડી મિચેલ ઓવેનને સાઈન કર્યો છે. હવે તે IPL 2025માં પંજાબ કિંગ્સની ટીમમાં જોવા મળશે.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ આંગળીની ઈજાને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે. હવે PBKS એ ગ્લેન મેક્સવેલની જગ્યાએ ઓલરાઉન્ડર મિચેલ ઓવેનને પસંદ કર્યો છે. મિચેલ ઓવેન હજુ સુધી ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યુ નથી કરી શક્યો. તે એક અનકેપ્ડ વિદેશી ખેલાડી છે. આજે (4 મે) ધર્મશાલામાં LSG સામેની મેચ પહેલા PBKS એ આ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. આ સિઝનમાં PBKSનો દેખાવ સારો રહ્યો છે. ટીમે 10માંથી 6 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી છે. આ રીતે ટીમના 13 પોઈન્ટ છે.
ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયાના મિચેલ ઓવેને 34 T20 મેચ રમી છે અને 646 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 108નો હાઈએસ્ટ સ્કોર સામેલ છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરના નામે 10 T20 વિકેટ પણ છે. મિચેલ ઓવેન 3 કરોડ રૂપિયામાં PBKSમાં જોડાશે. ગ્લેન મેક્સવેલ ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, આ સિઝનમાં તેનું ફોર્મ સારું નહતું. હવે જોવાનું એ રહે છે કે મિચેલ ઓવેનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે કે નહીં?
મિચેલ ઓવેનની પસંદગી બાદ એક આશ્ચર્યજનક વાત પણ પ્રકાશમાં આવી છે. રિકી પોન્ટિંગે તાજેતરમાં કહ્યું હતું કે PBKSને લોકી ફર્ગ્યુસન અને ગ્લેન મેક્સવેલના સ્થાને ખેલાડીઓ શોધવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ક્વોલિટી ખેલાડીઓ હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) માં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે મેનેજમેન્ટ ભારતીય પ્રતિભાઓ તરફ જોઈ રહ્યું છે. કેટલાક ખેલાડીઓ તેની સાથે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોકે, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે પોતાના દેશના એક અનકેપ્ડ ખેલાડીને તક આપી છે. આમાં મેનેજમેન્ટનો પણ હાથ હશે, પરંતુ ટીમ હેડ કોચ અને કેપ્ટનની છે, તેથી સ્પષ્ટપણે ઓવેનને લાવવાનો નિર્ણય પોન્ટિંગનો રહેશે.