
સોમવારે ગુજરાત ટાઈટન્સ (GT) સામે રમેલી ઈનિંગથી વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ પોતાનું નામ કર્યું છે. તેની આ ઈનિંગ કોઈ નહીં ભૂલી શકે. આ ઈનિંગમાં તેણે માત્ર રન જ નહીં પરંતુ રેકોર્ડ પણ બનાવ્યા છે. પોતાની ઈનિંગથી, 14 વર્ષના ખેલાડીએ રાજસ્થાન રોયલ્સ (RR) ને આઠ વિકેટથી જીત અપાવી. આ પછી વૈભવ (Vaibhav Suryavanshi) એ કહ્યું કે તે કોઈ બોલરથી ડરતો નથી.
પ્રથમ બેટિંગ કરતા GT એ 20 ઓવરમાં 4 વિકેટે 209 રન બનાવ્યા હતા. જેના જવાબમાં RR એ 15.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વૈભવે 38 બોલમાં સાત ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. તેના સિવાય, યશસ્વી જયસ્વાલે 40 બોલમાં 70 રનની અણનમ ઈનિંગ રમી જેમાં તેણે નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
'મને ડર નથી લાગતો'
આ ઈનિંગ માટે વૈભવ (Vaibhav Suryavanshi) ને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. જ્યારે મુરલી કાર્તિકે ટ્રોફી લેવા આવેલા વૈભવને પૂછ્યું કે શું તે ડરતો નથી, ત્યારે તેણે કહ્યું કે તે કોઈથી ડરતો નથી કારણ કે તે બોલર તરફ નહીં પણ બોલ તરફ જુએ છે. વૈભવે કહ્યું, "આ ખૂબ જ સારી લાગણી છે. આ મારી પહેલી IPL સદી હતી તેથી મને સારું લાગી રહ્યું છે. હું લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યો હતો અને તે મહેનત રંગ લાવી. હું મેદાન પર બોલને જોઉં છું, ખેલાડીને નહીં. હું મેદાન પર વધારે વિચારતો નથી. IPLમાં સદી ફટકારવી એ મારું સ્વપ્ન હતું, મેં તે પૂર્ણ કર્યું. મને કોઈ પણ વાતનો ડર નથી. હું બહુ વિચારતો નથી, હું ફક્ત બોલ પર ધ્યાન કેન્દ્રિત કરું છું."
વૈભવ (Vaibhav Suryavanshi) એ જે રીતે ઈનિંગ રમી તેનાથી સાબિત થયું કે તેની ઉંમર ભલે બાળક જેટલી હોય, પણ તેની રમત પુખ્ત વયના લોકો જેવી છે. વૈભવે તેની ઈનિંગ દરમિયાન મેચ્યોરિટી દર્શાવી. સદી ફટકાર્યા પછી વૈભવે શાંતિથી ઉજવણી કરી. આખી ઈનિંગ દરમિયાન તેના ચહેરા પર ધીરજ દેખાતી હતી. તેના વર્તનમાં શાંતિ હતી અને આટલા મોટા મંચ પર સદી ફટકાર્યા પછી 14 વર્ષના બાળકમાં જોવા મળતી આક્રમકતા નહતી.