
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ વરસાદને કારણે વહેલો સમાપ્ત થયો હતો. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ પોતાની છાપ છોડી. બુમરાહએ ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગને 465 રન પર સમેટી લેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બુમરાહએ પાંચ ઈંગ્લેન્ડ બેટ્સમેનોની વિકેટ લીધી હતી. ત્રીજા દિવસના અંત સુધીમાં ભારતે કુલ 96 રનની લીડ મેળવી હતી. કેએલ રાહુલ અને શુભમન ગિલ અણનમ પરત ફર્યા હતા.
પ્રસિદ્ધ કૃષ્ણાએ દિવસની પહેલી સફળતા આપી
ઈંગ્લેન્ડે દિવસની શરૂઆત ત્રણ વિકેટના નુકસાને 209 રનથી કરી હતી. ઓલી પોપ (100 રન) અને હેરી બ્રુક (0) ક્રીઝ પર આવ્યા. પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતને ચોથી સફળતા અપાવી ત્યારે પોપે તેના સ્કોરમાં ફક્ત 6 રન ઉમેર્યા હતા. કેપ્ટન બેન સ્ટોક્સ પણ વધુ સમય ક્રિઝ પર ન રહી શક્યો અને 52 બોલમાં 20 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો.
જોકે, હેરી બ્રુકને જેમી સ્મિથે ટેકો આપ્યો હતો. બંને વચ્ચે 73 રનની પાર્ટનરશિપ થઈ. હેરી બ્રુકને બે જીવનદાન મળ્યા, છતાં તે સદી ચૂકી ગયો અને નર્વસ 90 રનનો શિકાર બન્યો. બ્રુક 99 રન બનાવીને આઉટ થયો. પ્રસિદ્ધ કૃષ્ણાએ શોર્ટ પીચ બોલ પર શાર્દુલ ઠાકુરના હાથે તેને કેચ આઉટ કરાવ્યો.
બુમરાહે પંજો ખોલ્યો
ક્રિસ વોક્સ અને બ્રાઈડન કાર્સે અડધી સદીની પાર્ટનરશિપ કરી અને ટીમનો સ્કોર 450થી વધુ લઈ ગયા. વોક્સે 38 રનની ઈનિંગ રમી અને બુમરાહનો ચોથો શિકાર બન્યો. બુમરાહે ટંગને આઉટ કરીને પંજો ખોલ્યો. બીજી તરફ કૃષ્ણાએ ત્રણ વિકેટ લીધી અને સિરાજે બે વિકેટ લીધી. આમ ઈંગ્લેન્ડ 465 રને ઓલઆઉટ થતા ભારતને 6 રનની લીડ મળી હતી.
ભારતે બીજી ઈનિંગમાં બે વિકેટ ગુમાવી
બીજા ઈનિંગમાં, દિવસની રમતના અંત સુધીમાં ભારતે બે વિકેટ ગુમાવી અને કુલ લીડ 96 રન કરી. જયસ્વાલ 4 રન બનાવીને આઉટ થયો. પ્રથમ ઈનિંગમાં શૂન્ય રન પર આઉટ થયેલા સાઈ સુદર્શને 30 રનની ઈનિંગ રમી. તે બીજી વખત બેન સ્ટોક્સનો શિકાર બન્યો. વરસાદને કારણે દિવસની રમત વહેલી સમાપ્ત થઈ ગઈ. કેએલ રાહુલ 47 રન બનાવીને અને ગિલ 6 રન બનાવીને અણનમ પાછો ફર્યો.