
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હેડિંગ્લીના મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, ભારતના બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડના બોલરોને બેકફૂટ પર રાખ્યા. યુવા યશસ્વી જયસ્વાલ અને ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારી. જ્યારે ટીમના વાઈસ-કેપ્ટન રિષભ પંતે પોતાની શાનદાર બેટિંગથી બધાનું દિલ જીતી લીધું. મેચના પહેલા દિવસે, ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા હતા.
ભારતે પ્રવાસના પહેલા જ દિવસે 300થી વધુ રન બનાવ્યા
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતે ઈંગ્લેન્ડના પ્રવાસના પહેલા દિવસે 300થી વધુ રનનો આંકડો પાર કર્યો છે. ભારતે શ્રીલંકા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝમાં પ્રવાસના પહેલા દિવસે 300થી વધુ રન બનાવ્યા હતા. પરંતુ ઈંગ્લેન્ડ સામે પહેલીવાર આવી સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે.
ઓપનિંગ જોડીએ 91 રનની પાર્ટનરશિપ કરી
ભારતીય ટીમ માટે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે મોટા સ્કોરનો પાયો નાખ્યો. આ બંને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 91 રનની પાર્ટનરશિપ કરી હતી. રાહુલ 42 રન બનાવીને આઉટ થયો. આ પછી ડેબ્યુ કરનાર સાઈ સુદર્શન કઈ ખાસ ન કરી શક્યો અને ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગયો. ત્યારબાદ ચોથા નંબરે આવેલા કેપ્ટન શુભમન ગિલે જયસ્વાલ સાથે મોટી પાર્ટનરશિપ કરી. આ બંને ખેલાડીઓ સામે ઈંગ્લેન્ડના બોલરો બિનઅસરકારક સાબિત થયા.
જયસ્વાલ અને ગિલે સદી ફટકારી
યશસ્વી જયસ્વાલે પહેલા 101 રનની ઈનિંગ રમી. તે બેન સ્ટોક્સ દ્વારા ક્લીન બોલ્ડ થયો. બીજી તરફ કેપ્ટન શુભમન ગિલે 127 રનનું યોગદાન આપ્યું. તેની સાથે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 65 રન બનાવીને હજુ પણ અણનમ છે. ગિલ અને પંત હજુ પણ ક્રીઝ પર હાજર છે અને મેચના બીજા દિવસે, આ બેટ્સમેનો પાસેથી ફરી એકવાર સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. મેચના પહેલા દિવસે, ઈંગ્લેન્ડના બોલરો કંઈ ખાસ ન કરી શક્યા અને ખરાબ રીતે ફ્લોપ રહ્યા. સ્ટોક્સે બે વિકેટ લીધી. જ્યારે બ્રાયડન કાર્સે એક વિકેટ લીધી હતી.