
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી મેચ બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે 336 રનથી જીત મેળવી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેનો પીછો કરતી વખતે ઇંગ્લિશ ટીમ રમતના પાંચમા દિવસના બીજા સત્રમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતે પહેલીવાર બર્મિઘમના એજબેસ્ટન મેદાન પર ટેસ્ટ જીત હાંસલ કરી છે. આ પહેલા જે ભારતે આ મેદાન પર 8 મેચ રમી હતી, તેમાંથી સાતમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચ ડ્રો ગઈ હતી. ભારતીય ટીમે આ મેદાન પર પહેલી ટેસ્ટ 1967માં રમી હતી, જેમાં ભારતની 132 રને હાર થઈ હતી. હવે ભારતે 59 વર્ષ બાદ જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે.
રનના માર્જીનના હિસાબથી વિદેશમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત
ટીમ ઇન્ડિયાની એજબેસ્ટન ટેસ્ટમાં ૩૩૬ રનથી જીત મેળવી છે. રનના માર્જીનના હિસાબથી વિદેશમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત છે. કુલ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં હાલ ૧-૧ની બરોબરી થઈ છે. ૬૦૮ રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડ બીજી ઈનિંગમાં ૨૭૧ રનમાં ઓલઆઉટ થયું છે. બીજી ઈનિંગમાં આકાશદીપએ ૬ વિકેટ ઝડપી હતી તેમજ શુભમન ગિલે બંને ઈનિંગમાં કુલ ૪૩૦ રન ફટકાર્યા હતા.