
જસપ્રીત બુમરાહએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રણ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તે SENA દેશોમાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયન બોલર બની ગયો છે. બુમરાહે ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન વસીમ અકરમને પાછળ છોડી દીધો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 20 જૂનથી શરૂ થઈ છે. પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની પહેલી ઈનિંગ 471 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં ટીમને ઝટકો આપ્યો હતો. તેણે ઝેક ક્રોલીને 4 રન પર આઉટ કર્યો હતો. ત્યાબાદ તેણે બેન ડકેટને 62 અને જો રૂટને 28 રન પર આઉટ કર્યા હતા.
વસિમ અકરમનો રેકોર્ડ તોડ્યો
આ 3 વિકેટની મદદથી બુમરાહે પોતાના નામે એક મોટો રેકોર્ડ બનાવ્યો. બુમરાહ બેન ડકેટને 62ના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કરતાની સાથે જ સેના દેશોમાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયન બોલર પણ બની ગયો છે. આ કિસ્સામાં, બુમરાહે પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર વસીમ અકરમનો રેકોર્ડ તોડ્યો. અકરમ આ યાદીમાં પહેલા નંબર-1 પર હતો.
સેના દેશોમાં સૌથી વધુ વિકેટ લેનારા એશિયન બોલરો
- જસપ્રીત બુમરાહ (ભારત) - 148* વિકેટ
- વસીમ અકરમ (પાકિસ્તાન) - 146 વિકેટ
- અનિલ કુંબલે (ભારત) - 141 વિકેટ
- ઈશાંત શર્મા (ભારત) - 127 વિકેટ
- મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) - 125 વિકેટ
બુમરાહ ઈશાંતને પાછળ છોડી શકે છે
ઈંગ્લેન્ડના પ્રવાસ પર, જસપ્રીત બુમરાહ પાસે ઈશાંત શર્માનો મોટો રેકોર્ડ તોડવાની પણ તક છે. ઈશાંત શર્મા ઈંગ્લેન્ડમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે. ઇશાંત શર્માના નામે કુલ 51 વિકેટ છે. સમાચાર લખાય ત્યાં સુધી, બુમરાહ 40 વિકેટ લઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં, બુમરાહને તેને પાછળ છોડવા માટે હજુ 12 વિકેટ લેવી પડશે.