
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી અને પાંચ વિકેટ લીધી. પહેલી ઈનિંગમાં તેણે ઈંગ્લેન્ડની ટીમને સમેટવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે ઘણી વખત ઈંગ્લેન્ડના બેટ્સમેન માટે સમસ્યાઓ ઉભી કરી. બીજી ટેસ્ટમાં બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજી ટેસ્ટમાં પાછા ફરતાની સાથે જ તેણે પોતાનો જલવો બતાવ્યો.
કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે 27 ઓવર ફેંકી અને 74 રન આપીને પાંચ વિકેટ લીધી. પાંચ વિકેટ લેતાની સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો. હવે તે વિદેશી ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ વખત પાંચ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે દિગ્ગજ કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુમરાહે અત્યાર સુધી વિદેશી ધરતી પર ટેસ્ટમાં 13 વખત પાંચ વિકેટ લીધી છે. જ્યારે કપિલે 12 વખત આવું કર્યું હતું. હવે બુમરાહે વિદેશી ધરતી પર ટેસ્ટમાં પાંચ વિકેટ લેવાની બાબતમાં તમામ ભારતીય બોલરોને પાછળ છોડી દીધા છે અનેપહેલા નંબર પર કબજો જમાવી લીધો છે.
વિદેશી ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ વખત પાંચ વિકેટ લેનારા ભારતીય બોલરો
- જસપ્રીત બુમરાહ - 13 વખત
- કપિલ દેવ - 12 વખત
- અનિલ કુંબલે - 10 વખત
- ઈશાંત શર્મા - 9 વખત
- રવિચંદ્રન અશ્વિન - 8 વખત
- ભાગવત ચંદ્રશેખર - 8 વખત
- ઝહીર ખાન - 8 વખત
ટેસ્ટ ક્રિકેટમાં 200થી વધુ વિકેટ લીધી છે
જસપ્રીત બુમરાહે 2018માં ભારતીય ટેસ્ટ ટીમ માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ત્યારથી, તે ભારતીય ટીમની એક મહત્ત્વપૂર્ણ કડી બની ગયો છે. વિદેશી ધરતી પર તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તેણે ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 47 ટેસ્ટ મેચોમાં કુલ 215 વિકેટ લીધી છે. આ દરમિયાન, તેણે 15 વખત પાંચ વિકેટ લીધી છે. બુમરાહે ODIમાં 149 વિકેટ અને T20I ક્રિકેટમાં 89 વિકેટ લીધી છે.
ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 387 રન બનાવ્યા
ત્રીજી ટેસ્ટ મેચમાં, ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 387 રન બનાવ્યા. જો રૂટે ટીમ માટે શાનદાર બેટિંગ કરી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 37મી સદી ફટકારી હતી. તેના સિવાય લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ પણ સારું પ્રદર્શન કર્યું. જેમી સ્મિથે 51 રન અને બ્રાયડન કાર્સે 56 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ઈંગ્લેન્ડની ટીમ 350 રનનો સ્કોર પાર કરી શકી. ભારત તરફથી બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને નીતિશ રેડ્ડીએ બે-બે વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી.