
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા વાપસી કરવા માંગશે, કારણ કે શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને પહેલી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન થોડું વધી રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે ટીમના સૌથી ઘાતક બોલર જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટ મેચથી આરામ આપવામાં આવી શકે છે. વર્કલોડને કારણે બુમરાહને આરામ આપવામાં આવશે, કારણ કે છેલ્લા દોઢ વર્ષમાં જસપ્રીત બુમરાહએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ઓવર ફેંકી છે.
બુમરાહએ સૌથી વધુ ઓવર ફેંકી છે
લીડ્સ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહએ શાનદાર બોલિંગ કરી હતી, આ મેચમાં બુમરાહએ 5 વિકેટ લીધી હતી, આ સિવાય અન્ય કોઈ ભારતીય બોલર ખાસ નહતો કંઈ કરી શક્યો. બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે. 1 જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં, જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ 410.4 ઓવર ફેંકી છે. તેના સિવાય વિશ્વનો કોઈપણ ફાસ્ટ બોલર ટેસ્ટ ક્રિકેટમાં 400 ઓવરના આંકડાને સ્પર્શી નથી શક્યો. આવી સ્થિતિમાં, હવે તેને ઈજાના જોખમને કારણે આરામ આપવામાં આવી શકે છે. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ, હેડ કોચ ગૌતમ ગંભીરે પણ કહ્યું હતું કે બુમરાહ આ સિરીઝની ફક્ત 3 મેચ રમી શકે છે.
https://twitter.com/MrunalKSays/status/1938589389132640729
આ પહેલા, બુમરાહ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. કમરના ખેંચાણને કારણે, બુમરાહને મેચ અધવચ્ચે છોડીને સ્કેન માટે જવું પડ્યું હતું. આ પછી, બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું, જ્યારે આ ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચો પણ ચૂકી ગયો હતો. હવે ટીમ મેનેજમેન્ટ બુમરાહ સાથે કોઈ જોખમ નહીં લેવા માંગે.
ટીમ ઈન્ડિયા આજ સુધી એજબેસ્ટનમાં નથી જીતી શકી
સિરીઝની બીજી મેચ એજબેસ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયા હવે એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડને હરાવવા માટે એક મુશ્કેલ પડકારનો સામનો કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આજ સુધી એજબેસ્ટન મેદાન પર એક પણ ટેસ્ટ મેચ નથી જીતી. અત્યાર સુધી ભારતે અહીં 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 7 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.