
ચેમ્પિયન્સ ટ્રોફીનો 19 ફેબ્રુઆરીથી પ્રારંભ થવાનો છે. BCCIએ આ પહેલા ટીમમાં ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. બુમરાહની જગ્યાએ હર્ષિત રાણાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય લેગ સ્પિનર વરૂણ ચક્રવર્તીનો પણ 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો છે. તે યશસ્વી જયસ્વાલની જગ્યાએ ટીમમાં સામેલ થશે. BCCIએ મોહમ્મદ સિરાજ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં રાખ્યા છે.
BCCIએ ICCને સોપી ફાઇનલ ટીમની યાદી
ચેમ્પિયન્સ ટ્રોફી માટે તમામ આઠ ટીમોએ ફાઇનલ ટીમની યાદી 11 ફેબ્રુઆરી સુધી સોપવાની હતી. BCCIએ પોતાની ફાઇનલ ટીમમાં બે બદલાવ સાથે 15 સભ્યોની ટીમની યાદી ICCને સોપી દીધી છે જેમાં જસપ્રીત બુમરાહ અને યશસ્વી જયસ્વાલને બહાર કરવામાં આવ્યા છે જ્યારે હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
બુમરાહના બહાર થતા ટીમને લાગ્યો મોટો ઝટકો
બુમરાહને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડનીમાં રમાયેલી પાંચમી ટેસ્ટ દરમિયાન ઇજા થઇ હતી અને તે ત્યારથી કોઇ મેચ રમી શક્યો નથી. પીઠમાં ઇજાને કારણે તેને ફાઇનલ ટીમમાં જગ્યા મળી નથી. બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થતા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
હર્ષિત-વરૂણને મળશે તક
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાઇ રહેલી ત્રણ મેચની વન ડે સિરીઝની શરૂઆતની બે મેચમાં હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીને વન ડેમાં ડેબ્યૂની તક મળી હતી. હર્ષિત રાણાએ નાગપુરમાં રમાયેલી પ્રથમ વન ડે મેચમાં ડેબ્યૂ કર્યું હતું જ્યારે સ્પિનર વરૂણ ચક્રવર્તીને પણ ભારતે ડેબ્યૂની તક આપી હતી જે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની ટી-20 સિરીઝમાં પ્રભાવિત કરવામાં સફળ થયો હતો.
23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ Aમાં સામેલ છે જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ પણ છે. ભારત પોતાની તમામ મેચ હાઇબ્રિડ મૉડલ હેઠળ દુબઇમાં રમશે કારણ કે તેને ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો હતો. આઠ ટીમની આ ટૂર્નામેન્ટમાં 15 મેચ રમાશે. આ ટૂર્નામેન્ટ 19 દિવસ સુધી ચાલશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરૂણ ચક્રવર્તી
રિઝર્વ ખેલાડી: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે