
આઠ વર્ષ પછી ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરનારા કરુણ નાયરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે એક અનુભવી ભારતીય ક્રિકેટરે તેને નિવૃત્તિ લેવા કહ્યું હતું. નાયર 2017થી ભારતીયની બહાર હતો. ઘણા પ્રયાસો છતાં તે વાપસી નહતો કરી શક્યો. જોકે, ઘરેલુ ક્રિકેટમાં છાપ છોડ્યા પછી, તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે અને હવે પ્લેઈંગ-ઈલેવનમાં તેનું રમવું નિશ્ચિત માનવામાં આવે છે.
નાયરે જણાવ્યું કે જ્યારે તે ભારતીય ટીમમાં વાપસી માટે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે એક ભારતીય ક્રિકેટરે તેને નિવૃત્તિ લેવા અને T20 ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું હતું. નાયરે તેની વાત ન સાંભળી અને સખત મહેનત કરતો રહ્યો, જેનું પરિણામ તેને મળ્યું.
પૈસાની લાલચ આપી
નાયરે જણાવ્યું કે તેને કહેવામાં આવ્યું હતું કે T20 ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાથી તેને ઘણા પૈસા મળશે, જેનાથી તે આર્થિક રીતે મજબૂત બનશે. નાયરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મને હજુ પણ યાદ છે કે એક અનુભવી ભારતીય ક્રિકેટરે મને ફોન કરીને કહ્યું હતું કે તમારે નિવૃત્તિ લેવી જોઈએ કારણ કે લીગમાં મળતા પૈસાથી હું સુરક્ષિત રહીશ."
નાયરે કહ્યું, "આવું કરવું સરળ હોત, પરંતુ હું જાણું છું કે પૈસા સિવાય, જો હું આ કરીશ તો હું સરળતાથી હાર માની લઈશ. હું ફરીથી ભારત માટે રમવાનું મારા સપનાને લઈને હાર નહતો માની શકતો. આ બે વર્ષ જૂની વાત છે અને જુઓ કે હું હવે ક્યાં છું."
ઈંગ્લેન્ડ લાયન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું
નાયરે રણજી ટ્રોફીથી વિજય હજારે ટ્રોફી સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ઈન્ડિયા-A માટે રમી રહ્યો હતો, ત્યારે તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન, નાયરે દેખાડી દીધું કે તે કેવા ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ સિરીઝમાં તેની પાસે મોટી જવાબદારી રહેશે કારણ કે આ સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને નથી.