ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા, એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત શર્મા આ ટૂર્નામેન્ટના સમાપન પછી નિવૃત્તિ લઈ શકે છે. જેમ જેમ ફાઈનલ મેચ નજીક આવતી ગઈ તેમ તેમ રોહિતની નિવૃત્તિની અફવાઓ ફરી એકવાર જોર પકડવા લાગી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની ઐતિહાસિક જીત બાદ, કેપ્ટન રોહિતે પોતે જ પોતાની નિવૃત્તિ અંગે નિવેદન જારી કર્યું છે. રોહિતે સ્પષ્ટતા કરી છે કે તેનો હાલમાં નિવૃત્તિ લેવાની કોઈ યોજના નથી.
રોહિત શર્મા નિવૃત્તિ નહીં લે
ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીત પછી, રોહિત શર્માને પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિ અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. પોતાની નિવૃત્તિ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું, "ભવિષ્ય માટે કોઈ યોજના નથી. જે કંઈ થઈ રહ્યું છે તે ચાલુ રહેશે. હું ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ નથી લેવાનો. આવી અફવાઓને મહત્ત્વ ન આપો." રોહિતનું આ નિવેદન ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 4 વિકેટની જીત બાદ આવ્યું છે, જેમાં તેણે 76 રનની શક્તિશાળી ઈનિંગ રમી હતી.
ટ્રોફી દેશને સમર્પિત કરી, શ્રેયસ અય્યરને હીરો ગણાવ્યો
કેપ્ટન રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીની જીત સમગ્ર દેશને સમર્પિત કરી. તેણે કહ્યું કે જ્યારે ટીમ ઈન્ડિયા રમી રહી હોય છે, ત્યારે આખો દેશ તેને સપોર્ટ કરી રહ્યો હોય છે. રોહિત શર્માએ શ્રેયસ અય્યરને સાયલન્ટ હીરો કહ્યો.
શ્રેયસ અય્યરની પ્રશંસા કરતા રોહિતે કહ્યું, "શ્રેયસ અય્યર અમારો સાયલન્ટ હીરો છે. મિડલ ઓર્ડરમાં આવીને, અય્યરે ટીમ માટે મહત્ત્વપૂર્ણ ઈનિંગ્સ રમી. આજે પણ તેણે અક્ષર પટેલ સાથે મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી. મારે મારા સાથી ખેલાડીઓને વધુ કહેવાની જરૂર નથી." શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા અને રોહિત શર્મા આઉટ થયા પછી, તેણે અક્ષર પટેલ સાથે મળીને 61 રનની પાર્ટનરશિપ કરી અને ભારતને દબાણની પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.
રોહિત શર્માએ કેએલ રાહુલ અને પંડ્યાના પણ કર્યા વખાણ
કેપ્ટન રોહિતે ફાઈનલ પછી કહ્યું કે, "હું તે તમામનો આભાર માનું છું, જેમણે અહીં અમારું સમર્થન કર્યું. આ અમારું હોમ ગ્રાઉન્ડ નથી, પણ તેમણે તેને અમારું હોમ ગ્રાઉન્ડ બનાવી દીધું. અમને રમતા જોવા અને અમને જીત અપાવવા માટે અહીં આવેલા ફેન્સની સંખ્યા સંતોષકારક હતી. જ્યારે તમે આવી પિચ પર રમી રહ્યા હોઈએ છીએ, ત્યારે ઘણી અપેક્ષાઓ હોય છે. "
રોહિતે કહ્યું, "તેનું (કેએલ રાહુલ) મન ખૂબ જ મજબૂત છે. તે ક્યારેય પ્રેશરથી ચિંતામાં નથી મૂકાતો. એટલા માટે અમે તેને મિડલ ઓર્ડરમાં રાખવા માંગતા હતા. જ્યારે તે બેટિંગ કરે છે અને સ્થિતિના હિસાબથી યોગ્ય શોટ રમે છે, ત્યારે તે હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેનોને મુક્તપણે રમવાની સ્વતંત્રતા આપે છે."
રોહિતે આગળ કહ્યું, "જ્યારે અમે આવી પિચ પર રમીએ છીએ, ત્યારે અમે ઈચ્છીએ છીએ કે બેટ્સમેન કંઈક અલગ કરે. તેણે (વરુણ ચક્રવર્તીએ) ટૂર્નામેન્ટમાં અમારા માટે શરૂઆત સારી નહોતી કરી, પરંતુ જ્યારે તેઓ ન્યૂઝીલેન્ડ સામે રમ્યો અને 5 વિકેટ લીધી, ત્યારે અમે તેનો મહત્તમ ઉપયોગ કરવા માંગતા હતા. તેની બોલિંગમાં ઉત્તમ ગુણવત્તા છે.
'અમે જે રીતે રમ્યા...'
રોહિત શર્માએ ફાઈનલમાં પોતાની વિસ્ફોટક બેટિંગ વિશે કહ્યું, "ખરેખર સારું લાગે છે. અમે આખી ટૂર્નામેન્ટ દરમિયાન ખૂબ સારું રમ્યા. અમે આ રમત જે રીતે રમ્યા તેનાથી હું ખૂબ ખુશ છું. તે મારા માટે સ્વાભાવિક નથી, પરંતુ તે કંઈક એવું છે જે હું ખરેખર કરવા માંગતો હતો. જ્યારે તમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે તમને ટીમના સપોર્ટની જરૂર હોય છે અને તેઓ મારી સાથે હતા."
રોહિતે વધુમાં કહ્યું, "હું વર્ષોથી અલગ સ્ટાઇલમાં રમ્યો છું. હું જોવા માંગતો હતો કે શું અમે અલગ રીતે રમીને પરિણામો મેળવી શકીએ છીએ. અહીં થોડી ઈનિંગ્સ રમ્યા પછી પિચનો સ્વભાવ સમજાય છે. બેટિંગ કરતી વખતે મારા પગનો ઉપયોગ કરવો એ હું ઘણા સમયથી કરી રહ્યો છું. હું આઉટ પણ થયો છું, પણ હું ક્યારેય તેનાથી દૂર જોવા નહોતો માંગતો."