
ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે એજબેસ્ટનમાં ભારતની ઐતિહાસિક 336 રનની જીત પર પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ભારતીય ટીમને આ જીત પર અભિનંદન આપ્યા છે. આ ઉપરાંત મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે 'બોલ ઓફ ધ સિરીઝ' વિશે પણ વાત કરી છે.
સચિન તેંડુલકરે આ ખેલાડીઓના વખાણ કર્યા
ભારતીય ટીમની જીત વિશે સચિન તેંડુલકરે 'X' પર લખ્યું, "હાલના સમયના મહાન બેટ્સમેને શાનદાર ઈનિંગ રમી! શુભમન ગિલ ભારતને ટેસ્ટ જીત તરફ દોરી જવા બદલ અભિનંદન! રિષભ પંત, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ખૂબ જ સારી બેટિંગ કરી હતી, ખાસ કરીને બીજી ઈનિંગમાં ભારતનો અભિગમ ઈંગ્લેન્ડને આ રમતમાંથી બહાર કરવાનો અને તેમને અલગ રીતે રમવા માટે મજબૂર કરવાનો હતો, જેથી ખાતરી થાય કે ફક્ત એક જ વિજેતા બને."
https://twitter.com/sachin_rt/status/1941904600182997214
બોલિંગ અંગે તેણે લખ્યું, 'બોલરો વિશે મને સૌથી વધુ પ્રભાવિત કરનારી જે બાબત હતી તે બોલિંગ લેન્થ હતી. કહેવાની જરૂર નથી કે આકાશ દીપ શ્રેષ્ઠ બોલર હતો. અને મારા મતે તેણે જો રૂટને જે બોલ ફેક્યો તે બોલ ઓફ ધ સિરીઝ હતો." તેણે છેલ્લે મસ્તીમાં લખ્યું, "મોહમ્મદ 'જોન્ટી' સિરાજે ઝડપેલો કેચ જોવાની મજા આવી."
ભારતની બર્મિંઘમમાં ઐતિહાસિક જીત
બીજી ટેસ્ટ પહેલા ભારતના પક્ષમાં આંકડા નહોતા, કારણ કે તેણે એજબેસ્ટનમાં રમાયેલી આઠ મેચોમાં ક્યારેય ટેસ્ટ નહોતી જીતી. વાસ્તવમાં 1962 પછી પહેલી 18 ટેસ્ટમાં કોઈ પણ એશિયન ટીમ બર્મિંઘમમાં જીતી નહોતી શકી. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, કારણ કે તેણે 269 અને 161 રન બનાવ્યા હતા, જે કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન હતા. મોહમ્મદ સિરાજે પણ પ્રથમ ઈનિંગમાં છ વિકેટ લીધી હતી. ભારત 10 જુલાઈ, ગુરુવારથી શરૂ થતી લોર્ડ્સ ટેસ્ટમાં 2-1ની લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.