
લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે લગભગ જીતેલી મેચ હાર્યા બાદ ભારતીય ટીમની સ્ટ્રેટેજી પર ઘણા સવાલો ઊભા થયા હતા. શું મેચ વિજેતા કુલદીપ યાદવને ફક્ત પાણી આપવા માટે ઈંગ્લેન્ડ લઈ જવામાં આવ્યો હતો? એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ મેચ વિજેતાને એજબેસ્ટન ખાતેની બીજી ટેસ્ટ મેચમાં રમવા માટે મોકલવામાં આવશે. પરંતુ ટોસ દરમિયાન જાણવા મળ્યું કે તે સતત બીજી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે.
શુભમન ગિલે શું આપ્યા સંકેત?
ભારતીય કેપ્ટન શુભમન ગિલના મતે ટીમ કુલદીપ યાદવ જેવા વિકેટ લેનારા સ્પિનરને પ્લેઈંગ ઈલેવનમાં રાખવા માંગે છે, પરંતુ લીડ્સમાં નીચલા ક્રમના બે ખેલાડી સસ્તામાં આઉટ થયા પછી બેટિંગમાં ઊંડાણ લાવવા માટે વોશિંગ્ટન સુંદરને તેના સ્થાને પસંદ કરવામાં આવ્યો.
વોશિંગ્ટનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાનો વિવાદાસ્પદ નિર્ણય અસરકારક સાબિત થયો, કારણ કે ઓલરાઉન્ડરે બેટ અને બોલ બંને દ્વારા યોગદાન આપ્યું હતું. ભારત લોર્ડ્સ ટેસ્ટમાં પણ આ જ સ્ટ્રેટેજી સાથે જશે.
પાંચ મેચની સિરીઝની બીજી ટેસ્ટમાં જીત સાથે વાપસી કર્યા બાદ શુભમન ગિલે કહ્યું કે,"જ્યારે તમારી પાસે કુલદીપ જેવો બોલર હોય છે, ત્યારે તે ખૂબ જ આકર્ષક હોય છે. હું વોશિંગ્ટનને રમાડવા માંગતો હતો કારણ કે તેની હાજરી બેટિંગને મજબૂત બનાવે છે. મને લાગે છે કે મારી અને વોશિંગ્ટન વચ્ચેની પાર્ટનરશિપ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ. જો આ પાર્ટનરશિપ ન થઈ હોત, તો કદાચ આપણી લીડ 70-80-90 રનની જ હોત."
ભારતની બર્મિંઘમમાં ઐતિહાસિક જીત
બીજી ટેસ્ટ પહેલા ભારતના આંકડા પક્ષમાં નહતા, કારણ કે ભારતે એજબેસ્ટનમાં રમાયેલી આઠ ટેસ્ટ મેચમાંથી ક્યારેય કોઈ મેચ નહતી જીતી. 1962 પછી પહેલી 18 ટેસ્ટમાં કોઈ પણ એશિયન ટીમ બર્મિંઘમમાં નહતી જીતી શકી. પરંતુ ભારતીય ટીમે આ મેચ જીતીને ઈતિહાસ રચ્યો. આ મેચમાં શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, કારણ કે તેણે 269 અને 161 રન બનાવ્યા હતા, જે કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન હતા.
મોહમ્મદ સિરાજે પ્રથમ ઈનિંગમાં છ વિકેટ લીધી હતી. જ્યારે આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ અને બીજી ઈનિંગમાં 6 વિકેટ લઈને પહેલી વખત એક ટેસ્ટ મેચમાં 10 વિકેટ ઝડપી હતી. ભારત 10મી જુલાઈ, ગુરુવારથી શરૂ થતી લોર્ડ્સ ટેસ્ટમાં 2-1ની લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.