
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે ગંભીર પર બિનજરૂરી ટીકા ન થવી જોઈએ કારણ કે ટીમ તેમના નેતૃત્વમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે અને આગળ વધી રહી છે.
યોગરાજ સિંહે કર્યો ગૌતમ ગંભીરનું સમર્થન
લીડ્સ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીરને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ, ટીમે બર્મિંઘમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જોરદાર વાપસી કરી અને 336 રનના મોટા માર્જિનથી મેચ જીતીને ઈતિહાસ રચ્યો.
એજબેસ્ટન ટેસ્ટમાં જીત બાદ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા યોગરાજ સિંહે કહ્યું, "તમે જોયું હશે કે ભારતીય ખેલાડીઓ હવે સારું રમી રહ્યા છે અને સતત સુધારો કરી રહ્યા છે. ખેલાડીઓ સાથે ક્યારેય દુર્વ્યવહાર ન કરવો જોઈએ કે એમ ન કહેવું જોઈએ કે તેને ટીમમાંથી કાઢી નાખવો જોઈએ, તેને ટીમમાં કેમ લેવામાં આવ્યો છે, તે લાયક નથી. ખેલાડીઓ માટે આવી વાતો ન્થ્વી જોઈએ."
યોગરાજે કહ્યું કે તેના જેવા ભૂતપૂર્વ ક્રિકેટરો રમતને કંઈક પાછું આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમનું સન્માન કરવું જોઈએ,જોકે રચનાત્મક ટીકા ચોક્કસપણે થઈ શકે છે.
યોગરાજે આગળ કહ્યું, "ગૌતમ ગંભીર વિરુદ્ધ એક પણ શબ્દ ન કહેવો જોઈએ. તે ખૂબ સારું કરી રહ્યો છે. યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર અને રાહુલ દ્રવિડ જેવા લોકો હજુ પણ ભારતીય ક્રિકેટને કંઈક પાછું આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે ક્રિકેટે તેમને ઘણું આપ્યું છે. ભલે આપણા ખેલાડીઓ સિરીઝ હારી જાય, તેમ છતાં આપણે લખવું જોઈએ કે બાળકો સારું રમ્યા. કોઈ વાંધો નથી મિત્ર, જીત અને હાર તો થતી જ રહે છે. પરંતુ જો તમે હાર સહન ન કરી શકો, તો તેમને સમજાવો. જો તમે જીતો છો, તો કંઈ કહેવાની જરૂર નથી - તે જ મુદ્દો છે."