
ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ભારતની પહેલી ઈનિંગમાં 387 બોલમાં 269 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 30 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલની ટેસ્ટ કારકિર્દીની આ પહેલી બેવડી સદી હતી.
શુભમન ગિલે શું કહ્યું?
બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી શુભમન ગિલે જણાવ્યું હતુ કે, "તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના છેલ્લા તબક્કામાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ખાસ તૈયારીઓ કરી રહ્યો હતો અને એવું લાગે છે કે સખત મહેનત રંગ લાવી. હાલ હું એક સારી સ્થિતિમાં છું. મેં કેટલીક બાબતો પર કામ કર્યું, ખાસ કરીને IPLના છેલ્લા તબક્કામાં જે ટેસ્ટ ક્રિકેટમાં આગળ વધતા પહેલા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. અત્યાર સુધી જે રીતે બન્યું છે તે જોતાં, એવું લાગે છે કે સખત મહેનત રંગ લાવી છે."
શુભમન ગિલની યાદગાર બેવડી સદીની મદદથી ભારતીય ટીમે પોતાની પહેલી ઈનિંગમાં 587 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે બીજા દિવસ (ત્રીજી જુલાઈ) ના અંત સુધીમાં પોતાની પહેલી ઈનિંગમાં 3 વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગના આધારે 510 રન પાછળ છે અને ફોલોઓન ટાળવા માટે ત્રીજા દિવસની રમતમાં સખત મહેનત કરવી પડશે.
ભારતીય ટીમ સિરીઝ 0-1થી પાછળ
ઉલ્લેખનીય ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ભારતીય ટીમ સિરીઝમાં 0-1થી પાછળ છે. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓની ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી હતી, જેની ચર્ચા કેપ્ટન શુભમન ગિલે પણ કરી છે. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ પહેલી ઈનિંગમાં 6 અને બીજી ઈનિંગમાં 2 કેચ છોડ્યા હતા. આ કારણે મેચ યજમાન ઈંગ્લેન્ડના પક્ષમાં ગઈ. જો ભારતીય ટીમે તે કેચ ન છોડ્યા હોત તો તે મેચનું પરિણામ અલગ હોત.