ક્રિકેટમાં, ખેલાડીઓ વચ્ચે ઘણીવાર ઝઘડો થાય છે. ઘણી વખત આ ઝઘડા મારામારી સુધી પહોંચે છે. સાઉથ આફ્રિકા (South Africa) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ દરમિયાન આવી જ એક ઘટના બની હતી. 28 મે, 2025ના રોજ બે ખેલાડીઓ વચ્ચેની લડાઈ એટલી વધી ગઈ કે અમ્પાયરને વચ્ચે આવવું પડ્યું,તેમ છતાં મામલો ન ઉકેલાયો. મામલો એટલો વધ્યો કે બોલરે બેટ્સમેનનું હેલ્મેટ પકડીને બે વાર ખેચ્યું, આ દરમિયાન બેટ્સમેને તેને મારવા માટે બેટ પણ ઉગામ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સાઉથ આફ્રિકા (South Africa) ક્રિકેટ ટીમ 11 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઈનલ મેચ રમવાની છે. આ માટે, ખેલાડીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને થોડા દિવસોમાં ઈંગ્લેન્ડ પહોંચશે, જ્યાં આ ટાઈટલ મેચ રમાશે. પરંતુ આ ઝઘડો રાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચે નહીં પરંતુ બાંગ્લાદેશમાં (Bangladesh) રમાઈ રહેલી ઈમર્જિંગ ટેસ્ટ દરમિયાન થયો હતો.
સાઉથ આફ્રિકા (South Africa) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે 4 દિવસની ટેસ્ટ રમાઈ રહી છે. આ લડાઈ 27 મેના રોજ શરૂ થયેલી આ મેચના બીજા દિવસે થઈ હતી. શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં, બાંગ્લાદેશની ટીમે પહેલા દિવસે 7 વિકેટે 242 રન બનાવ્યા હતા. બીજા દિવસે, લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ પણ સાઉથ આફ્રિકાના બોલરો સામે ઘણા રન બનાવ્યા, આઠમી વિકેટ માટે 45 રન અને નવમી વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપે બાંગ્લાદેશને સારી સ્થિતિમાં લાવી દીધું.
સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડી વચ્ચે લડાઈ કેમ થઈ?
સાઉથ આફ્રિકાના ઓફ-સ્પિનર ત્શેપો એનટુલીએ 105મી ઓવર ફેંકી, પહેલા જ બોલ પર, 10મા નંબરના બેટ્સમેન મોન્ડોલે આગળ આવીને છગ્ગો ફટકાર્યો. આ દરમિયાન, બોલર બેટ્સમેન પાસે આવ્યો અને બંને વચ્ચે દલીલ શરૂ થઈ. અમ્પાયર પણ તેમની પાસે દોડી ગયા.
વીડિયોમાં જોઈ શકાય છે કે બોલર ગુસ્સામાં બેટ્સમેન તરફ આવ્યો. આ જોઈને, અમ્પાયર તેની તરફ દોડ્યા. બોલરે ગુસ્સામાં બેટ્સમેનને ધક્કો માર્યો, પછી બેટ્સમેને પણ તેને પાછળ ધકેલી દીધો. બોલરે હેલ્મેટની ગ્રીલ પકડીને તેને બે વાર ખેચ્યું. સાઉથ આફ્રિકાના અન્ય ખેલાડીઓએ પણ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બેટ્સમેને પણ પોતાનું બેટ ઉગામ્યું હતું.