
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25ની ફાઈનલમાં, સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાની ઈનિંગમાં ઓપનિંગ કરવા આવેલા માર્શ લાબુશેન અને ઉસ્માન ખ્વાજા બેટિંગમાં કંઈ ખાસ ન કરી શક્યા. ખ્વાજા તો 20 બોલ રમીને ખાતું ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. જ્યારે લાબુશેન 17 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી 15 મહિના પછી પાછા ફરેલા કેમેરોન ગ્રીન પણ 4 રન બનાવીને આઉટ થઈ ગયો. ટ્રેવિસ હેડ પણ ફક્ત 11 રનનું યોગદાન આપી શક્યો હતો.
જ્યારે ઓસ્ટ્રેલિયાની વિકેટ એક છેડેથી પડી રહી હતી, ત્યારે સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે બીજા છેડેથી પકડ રાખી અને બીજા સેશનમાં પોતાની અડધી સદી પણ પૂર્ણ કરી. સ્મિથે 33મી ઓવરમાં રબાડાની બોલ પર ચોગ્ગો ફટકારીને ટેસ્ટમાં પોતાની 42મી અડધી સદી ફટકારી. આ પછી, એક સિંગલ લેતાની સાથે જ, સ્મિથે ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં 99 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો અને એક નવો ઈતિહાસ રચ્યો.
સ્મિથ ટોપ પર પહોંચ્યો
સ્ટીવ સ્મિથ 51 રન બનાવતાની સાથે જ લોર્ડ્સમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર વિદેશી બેટ્સમેન બન્યો. તેણે ઓસ્ટ્રેલિયાના વોરેન બાર્ડસ્લેનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. વોરેન બાર્ડસ્લેએ 1909થી 1926 વચ્ચે લોર્ડ્સમાં 5 ટેસ્ટ મેચની 7 ઈનિંગ્સમાં 2 સદી અને 2 અડધી સદીની મદદથી 575 રન બનાવ્યા હતા. હવે સ્મિથના લોર્ડ્સમાં 591 રન છે. તેણે અહીં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે.
WTC ફાઈનલની પ્રથમ ઈનિંગમાં પોતાની અડધી સદી દરમિયાન, સ્મિથે મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન અને વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ગેરી સોબર્સને પણ પાછળ છોડી દીધા છે. બ્રેડમેને લોર્ડ્સમાં 4 ટેસ્ટ મેચની 8 ઈનિંગ્સમાં 551 રન બનાવ્યા હતા. જ્યારે ગેરી સોબર્સે 5 ટેસ્ટની 9 ઈનિંગ્સમાં 571 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હવે સ્મિથ લોર્ડ્સમાં ટેસ્ટમાં 600 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન પણ બની શકે છે.
લોર્ડ્સમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર વિદેશી બેટ્સમેન
- 592 - સ્ટીવ સ્મિથ
- 575 - વોરેન બાર્ડસ્લે
- 571 - ગારફિલ્ડ સોબર્સ
- 551 - ડોન બ્રેડમેન
- 512 - શિવનારાયણ ચંદ્રપોલ
એલન બોર્ડર અને વિવિયન રિચાર્ડ્સને પણ પાછળ છોડી દીધા
સ્ટીવ સ્મિથ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર અને વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તોડ્યો. એલન બોર્ડરે ઈંગ્લેન્ડમાં 25 ટેસ્ટ મેચમાં 17 વખત 50થી વધુ રન બનાવ્યા હતા. જ્યારે વિવિયન રિચાર્ડ્સે 24 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. પરંતુ હવે WTC ફાઈનલમાં અડધી સદી ફટકારતા જ સ્મિથના ઈંગ્લેન્ડમાં 18 50થી વધુ સ્કોર થઈ ગયા છે. તેણે આ સિદ્ધિ ફક્ત 23 ટેસ્ટ મેચમાં મેળવી છે.