
ઢાકા પ્રીમિયર લીગ મેચ દરમિયાન છાતીમાં દુખાવો થયા બાદ તમીમ ઈકબાલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ અને શાઈનપુકુર ક્રિકેટ ક્લબ વચ્ચે ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગની રમત દરમિયાન તમીમને છાતીમાં દુખાવો થયો. તમીમને ઝડપથી હોસ્પિટલ લઈ જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તે ઉડાન ન ભરી શક્યું. તમીમને ફઝીલાતુન્નેસા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
અહેવાલો અનુસાર, તમીમની હાલત ગંભીર છે અને તેને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યો છે. તમીમને ઢાકા લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ ડોકટરો માને છે કે તેની હાલત ગંભીર હોવાથી તેને ઢાકા લઈ જવાનું મુશ્કેલ બનશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ ફિઝીયો ડો. દેબાશીષ ચૌધરીએ પુષ્ટિ આપી કે તમીમને હાર્ટ એટેક આવ્યો છે. "તેમની સ્થાનિક હોસ્પિટલમાં પ્રારંભિક તપાસ કરવામાં આવી હતી, જ્યાં હળવી હૃદયની સમસ્યાઓની શંકા હતી. તેમને ઢાકા લઈ જવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હેલિપેડ સુધી જતા રસ્તામાં તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો અને તેમને તાત્કાલિક પાછા ફરવું પડ્યું. પાછળથી તબીબી અહેવાલોમાં પુષ્ટિ મળી કે તે એક હાર્ટ એટેક આવ્યો હતો," ડો. દેબાશીષ ચૌધરીએ જણાવ્યું હતું.
તમીમ ઈકબાલે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે શરૂઆતમાં જુલાઈ 2023માં નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાના હસ્તક્ષેપ બાદ તેણે પોતાનો નિર્ણય પાછો લીધો હતો. તમીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે બાંગ્લાદેશ ટીમમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું, જોકે, તેણે વિનંતીનો ઈનકાર કર્યો હતો. તેણે નિવૃત્તિની પુષ્ટિ કરવા માટે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી હતી.
"હું લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છું," તેણે ફેસબુક પર લખ્યું. "તે અંતર રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મારું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. હું ઘણા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો. હવે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ઈવેન્ટ આવી રહી છે, ત્યારે હું કોઈના ધ્યાનનું કેન્દ્ર નથી બનવા માંગતો, તેના કારણે ટીમનું ફોકસ ઓછું થઈ શકે છે. અલબત્ત, હું પહેલા પણ આવું નહતો ઈચ્છતો.
"કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ મને ટીમમાં પાછા ફરવા માટે કહ્યું. પસંદગી સમિતિ સાથે પણ ચર્ચા થઈ હતી. હું તેમનો આભારી છું કે તેમણે મને હજુ પણ ટીમ માટે ધ્યાનમાં લીધો. જોકે, મેં મારા પોતાના હૃદયની વાત સાંભળી છે." તમીમે લખ્યું હતું
તમીમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
તમીમ ઈકબાલે બાંગ્લાદેશ માટે 70 ટેસ્ટ, 243 ODI અને 78 T20I રમ્યા છે, જેમાં અનુક્રમે 5134, 8357 અને 1778 રન બનાવ્યા છે.