
ચેમ્પિયન્સ ટ્રોફીમાં, તે ખેલાડી ટ્રમ્પ કાર્ડ સાબિત થયો, જેને રોહિત શર્માએ પહેલી બે મેચની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન પણ નહતું આપ્યું. દુનિયા વરુણ ચક્રવર્તીને એક મિસ્ટ્રી સ્પિનર તરીકે જાણે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ક્રિકેટર ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.
વરુણ ચક્રવર્તીની ક્રિકેટ સફર પણ ખૂબ જ રસપ્રદ છે. જ્યારે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, ત્યારે તે વિકેટકીપર બેટ્સમેન બનવા માંગતો હતો. તેણે જુનિયર ટીમમાં પણ આ જ ભૂમિકા ભજવી હતી. પછી એક સમય એવો આવ્યો જ્યારે તેણે અભ્યાસ માટે રમવાનું છોડી દીધું. વરુણે ઔપચારિક રીતે એઆરએમ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. પછી તે નોકરી કરવા લાગ્યો. તેને 10થી 5ની નોકરીમાં રસ નહતો. તેથી તેણે નોકરી છોડી દીધી અને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આ વખતે તે પેસ બોલિંગ કરી રહ્યો હતો પરંતુ ભાગ્યએ તેને ફરીથી પોતાનો રસ્તો બદલવાની ફરજ પાડી. વરુણને ઈજા થઈ. તે છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો. આ વખતે તે લેગ સ્પિનર તરીકે પાછો ફર્યો.
વરુણ ચક્રવર્તીના બોલની ગતિ સરેરાશ સ્પિનર કરતા વધુ હતી. તેણે આ ગતિમાં મિસ્ટ્રીનો સ્પર્શ ઉમેર્યો અને પહેલા IPLમાં અને પછી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આર્કિટેક્ટ બનવાથી લઈને ટીમ ઈન્ડિયામાં જોડાવા સુધીની આ સફરમાં, વરુણ ચક્રવર્તીએ એક ફિલ્મમાં પણ કામ કર્યું. તેણે 2014ની તમિલ ફિલ્મ 'જીવા' માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં વરુણ જીવા સાથે ક્રિકેટ મેચ રમે છે. આ ફિલ્મમાં વિષ્ણુ વિશાલ લીડ રોલ એટલે કે જીવાના રોલમાં જોવા મળ્યો હતો.
ફિલ્માં વરુણનો રોલ
ફિલ્મમાં ક્લબ ક્રિકેટર તરીકે વરુણનો ટૂંકો રોલ તેના વાસ્તવિક જીવનના અનુભવોને પણ પ્રતિબિંબિત કરે છે, કારણ કે તે ટેનિસ બોલ ક્રિકેટ રમવાથી પ્રોફેશનલ લીગ અને અંતે ઈન્ટરનેશનલ ક્રિકેટ સુધી પહોંચ્યો હતો.