
12 મેના રોજ, વિરાટ કોહલી (Virat Kohli) ની 14 વર્ષની ટેસ્ટ સફરનો અંત આવ્યો. તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. રોહિત શર્મા (Rohit Sharma) પછી, વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ BCCI માટે મોટો ઝટકો છે. હવે આ બંને ખેલાડીઓ ફક્ત ODI મેચોમાં જ જોવા મળશે, કારણ કે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ, આ બંને ખેલાડીઓએ T20Iમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. રોહિત અને વિરાટનું આગામી લક્ષ્ય 2027માં યોજાનારા ODI વર્લ્ડ કપ છે, પરંતુ તે પહેલાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) હવે ભારત માટે ક્યારે રમશે?
વનડેમાં ક્યારે જોવા મળશે?
ટેસ્ટ અને T20Iમાંથી નિવૃત્તિ લીધા બાદ રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) હવે ફક્ત ODI મેચમાં જ રમતા જોવા મળશે. હાલમાં, ટીમ ઈન્ડિયાનો આગામી પ્રવાસ ઈંગ્લેન્ડનો છે, પરંતુ ત્યાં ટીમ ઇન્ડિયા ફક્ત પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ પછી, ભારત ઓગસ્ટમાં બાંગ્લાદેશ સાથે સિરીઝ રમશે. બાંગ્લાદેશ સામે ODI મેચ પણ રમાશે, પરંતુ હાલમાં આ સિરીઝ પર સંકટના વાદળો છવાયેલા છે.
ભારત ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે
જો કોઈ કારણોસર બાંગ્લાદેશ સામેની ODI સિરીઝ ન થાય, તો રોહિત અને વિરાટના ફેન્સને ઓક્ટોબર સુધી રાહ જોવી પડી શકે છે. ભારત ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આમાં ત્રણ ODI અને પાંચ T20I મેચ રમાશે. આ પછી, ભારત ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે તમામ ફોર્મેટમાં સિરીઝ રમશે. જ્યાં બંનેના ODIમાં પ્રદર્શનની વાત છે, તો વિરાટે અત્યાર સુધીમાં 302 મેચ રમી છે, જેમાં તેણે 290 ઈનિંગ્સમાં 57.88ની એવરેજથી 14,181 રન બનાવ્યા છે. જેમાં 51 સદી અને 74 અડધી સદીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીએ છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ODI રમી હતી. જ્યારે રોહિતે ODIમાં અત્યાર સુધી 273 મેચ રમી છે, જેમાં તેણે 48.76ની એવરેજ સાથે 11,168 રન બનાવ્યા છે, તેમાં 32 સદી અને 58 અડધી સદી સામેલ છે.