ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિવિધ જિલ્લાઓમાં વરસાદને કારણે રસ્તાઓ પર અસર પડી છે. અમદાવાદ શહેરમાં ચોમાસાના આગમન સાથે વરસાદી માહોલે રસ્તાઓની હાલત ખરાબ કરી દીધી છે.
બાપુનગરથી સરસપુર જતા મુખ્ય રોડ પર ઠેરઠેર ખાડાઓ પડ્યા
ખાસ કરીને બાપુનગરથી સરસપુર જતા મુખ્ય રોડ પર ઠેરઠેર ખાડાઓ પડ્યા હોવાનું ચિત્ર સામે આવ્યું છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો રોજિંદા અવરજવર માટે ઉપયોગમાં લેતા હજારો નાગરિકોને આ ખાડાઓના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સમગ્ર રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે.
વરસાદના પાણીથી રસ્તાઓની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, વરસાદના પાણીથી રસ્તાઓની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, અને ખાડાઓમાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને રસ્તો પાર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, આ રસ્તા પરના ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ વધી ગઈ છે, જેનાથી લોકોનો કિંમતી સમય બરબાદ થઈ રહ્યો છે.