
Bhavnagar News: અમદાવાદ બાદ હવે ભાવનગરમાંથી શ્વાનનો આતંક સામે આવ્યો છે. ભાવનગરના તિલકનગર વિસ્તારમાંથી આજે (ગુરૂવારે) શ્વાને ફાડી ખાધેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. જેને લઇને શહેરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે અજાણ્યા સ્ત્રી-પુરૂષ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાંથી અવાવરૂ જગ્યાએ આજે નવજાત શિશુ મળી આવ્યું હતું. આ નવજાત શિશુને શ્વાને ફાડી ખાધુ હતું. આ બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી નવજાત શિશુના મૃતદેહને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. નવજાત શિશું ક્યાંથી આવ્યું, તેના માતા પિતા કોણ છે તે દિશામાં તપાસ કરી રહી છે.
હાથીજણમાં ચાર મહિનાની બાળકીને શ્વાને ફાડી ખાધી
ઉલ્લેખનીય છે, અમદાવાદમાં હાથીજણ સર્કલ પાસેની રાધે રેસિડન્સી નામની સોસાયટીમાં સોમવારે રાતના સમયે પાલતું રોટવિલર શ્વાને ચાર મહિનાની બાળકીને બચકાં ભરીને માસૂમ બાળકીને લોહીલુહાણ કરી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે બાળકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને શ્વાનના માલિક સામે ગુનો નોંધતા શ્વાનના માલિક દિલીપ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.