
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સફળ થયેલા વિદ્યાર્થીઓએ શાળાએ પહોંચીને ઉજવણી કરી હતી. શાળા પરિસરમાં મિઠાઈ ખવડાવીને તેમનાં મોં મીઠા કરાવવામાં આવ્યાં હતાં. સાથે જ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. સફળ થયેલા વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક બનવાથી લઈને આઈએએસ ઓફિસ તથા એન્જિનિયર બનવાના સપના હોવાનું કહ્યું હતું. સાથે જ આકરી મહેનતના કારણે આ સફળતા મળી હોવાનું કહ્યું હતું.
રેડિયન્ટ સ્કૂલના વિદ્યાર્થી ચમક્યાં
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઇ બોર્ડ દ્વારા જાહેર થયેલ ફેબુઆરી/માર્ચ-૨૦૨૫ બોર્ડ પરિક્ષા પરિણામમાં A1 માં 24 અને A2 માં 41 વિદ્યાર્થીઓ સાથે 100% પરિણામ મેળવ્યું હતું. શાળાએ સતત બીજા વર્ષે પણ 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે. કુલ 136 વિદ્યાર્થીઓ માંથી 80% વિદ્યાર્થીઓએ 75% થી વધારે પરિણામ પ્રાપ્ત કર્યું છે.મયંક હિતેશકુમાર તેજનાનીએ 97 મેળવ્યાં હતાં. ભવ્યકુમાર મયુરભાઈ પટેલે 96.6 ટકા અને હેનિલ અશોકકુમાર જૈને 96 ટકા મેળવ્યાં હતાં. આ જવલંત સફળતા બદલ શાળા ના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધીની આશીર્વાદ સ્કૉલરશીપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર રામજીભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવી છે. જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના ડાઇરેક્ટર શ્રી આશિષભાઈ વાઘાણી , CBSE માધ્યમ શાળાના આચાર્યતૃષાર પરમાર ને “શાળાની અને શિક્ષકો ની જ્વલંત સફળતા”માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી
મોટા વરાછાના અબ્રામા રોડ પર આવેલી સંસ્કારતિર્થ વિદ્યાલયનું ઊંચુ પરિણામ આવ્યું હતું. શાળાના આચાર્ય મનજીતસિંહ સુહાગે કહ્યું કે, બોર્ડ દ્વારા ધોરણ 10નું 93.66 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 12માં ધોરણનું 88.39 ટકા પરિણામ બોર્ડનું છે ત્યારે શાળાનું સાયન્સમાં 98 ટકા અને કોમર્સ વિભાગમાં 100 ટકા પરિણામ આવ્યું છે આ પરિણામ પાછળ શિક્ષકો-વિદ્યાર્થીઓની મહેનત અને મેનેજમેન્ટના યોગદાનથી આ પરિણામ મળ્યું છે.
આઈએએસ બનવાની ઈચ્છા
ધોરણ 10માં 93.20 ટકા પ્રાપ્ત કરનાર શ્લોક ચિરાગ ચોપડાએ કહ્યું કે, મેં વર્ષ દરમિયાન રોજે રોજની મહેનત કરી હતી. શિક્ષકો દ્વારા જે સમજાવવામાં આવે તથા ડાઉટ હોય તો સોલ્વ કરાવવામાં આવતાં હતાં. પિતા ચિરાગભાઈ બિઝનેસ કરતાં હોવા સાથે સપોર્ટ કરતાં હતાં. જ્યારે માતા શિલ્પાબહેને કહ્યું કે, શ્લોક રાત્રે 10 વાગ્યા આસપાસ સૂઈ જતો અને રાત્રે 3 વાગ્યે જાગીને તૈયારીઓ શરૂ કરી દેતો હતો. આગામી સમયમાં શ્લોકને આઈએએસ બનવાની ઈચ્છા છે. ત્યારે કોમર્સ વિભાગમાં આગળનો અભ્યાસ કરવા ઈચ્છતો હોવાનું કહ્યું હતું.