
Gandhinagar news: ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામના ઝાંક ગામે આવેલી જે.એમ.દેસાઈ હાઈસ્કૂલની હૉસ્ટેલમાં બપોરના ભોજન બાદ 105 જેટલા વિદ્યાર્થીઓને આંખોની તકલીફ થઈ હતી. જે બાદ તમામ વિદ્યાર્થીઓને તાબડતોબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝાંક ગામની નિવાસી હાઈસ્કૂલની હૉસ્ટેલમાં બપોરના ભોજન બાદ 105 વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને એકાએક આંખમાં ઝાખું દેખાવાની ફરિયાદો જોવા મળી હતી. જે બાદ તમામને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આ તમામ બાળ વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. વિદ્યાર્થીઓને ડબલ દેખાવાની અને એકાએક દેખાવાનું ઝાંખુ થયાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. જેથી તંત્રમાં દોડધામ મચી છે. આ અંગે તંત્રએ વિદ્યાર્થીઓ જે પાણી વાપરતા હતા તેના નમૂના લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવતા હજી બે દિવસ જેટલો સમય લાગી શકે છે. ગાંધીનગર કલેકટરે મામલતદાર સહિતની ટીમને તપાસ માટે મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.
બપોરે આ વિદ્યાર્થીઓએ લાડુ, દાળ-ભાત, શાક સહિત જે ભોજન લીધું હતું, તેના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળામાં તથા હોસ્ટેલ બિલ્ડિંગમાં પીવાના અને વપરાશના પાણીના પણ સેમ્પલ લઈને તેને ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેના રિપોર્ટ બાદ જ આ વિચિત્ર વિઝન રોગચાળો કયા કારણે ફેલાયો છે, તેનો ખ્યાલ આવી શકશે.