
સુરતમાં વધતા તાપમાન વચ્ચે આકરી ગરમી પડી રહી છે. ત્યારે રસ્તા પર તપતા વાહનચાલકોને રાહત આપવા સુરત ટ્રાફિક પોલીસ અને હોપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. વાય જંકશન ખાતે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા લોકોને શેરડીનો ઠંડો રસ વિતરીત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 500થી વધુ ગ્લાસ શેરડીનો રસ વિતરણ કરાયો હતો, જેને લોકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. ખાસ કરીને બાઈક ચાલકો અને પદયાત્રીઓને ગરમીમાં મળેલી આ ઠંડક ખૂબ રાહતદાયક સાબિત થઈ.
ઠંડક આપવા પ્રયાસ
PSI એસ.એફ. ગોસ્વામીએ જણાવ્યું કે, આકરી પડેલી ગરમીમાં અમે ટ્રાફિક પોઈન્ટ્સ પર ઊભેલા લોકોને થોડીક ઠંડક આપવાના હેતુથી આ પહેલ હાથ ધરી છે. હોપ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળીને અમે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવું વિતરણ ચાલુ રાખીશું.જેથી લોકોમાં ડિહાઈડ્રેશનના કારણે થતાં પ્રશ્નોને અટકાવી શકાય છે.
લોકોને રાહત આપવા પ્રયાસ
હોપ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું કે, ઉનાળાની સિઝન દરમ્યાન સુરતના અલગ-અલગ ટ્રાફિક સિગ્નલ્સ પર આવા કાર્યક્રમો યોજી વધુને વધુ લોકોને રાહત આપવાનો ઉદ્દેશ છે.આ પ્રકારની સામાજિક જવાબદારીની ઝાંખી આપતી આવી પ્રવૃત્તિઓ જનતા અને તંત્ર વચ્ચે સકારાત્મક સંદેશ પહોંચાડે છે.