
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. જો કે, આ પરિણામ અગાઉ બે પેપર ખરાબ ગયા હોવાથી રીઝલ્ટની પૂર્વ રાત્રીએ જ ધોરણ 12ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. નાપાસ થવાના ડરના કારણે વિદ્યાર્થીએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, સોમવારે સવારે જ્યારે બોર્ડે પરિણામ જાહેર કર્યું ત્યારે આ વિદ્યાર્થી પાસ નીકળ્યો હતો.
ઘરમાં ફાંસો ખાધો
નવાગામ ડિંડોલી યોગેશ્વર નગર ખાતે રહેતા રવિન્દ્ર પ્રકાશ પાટીલ હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 16 વર્ષીય પુત્ર યોગેશ ધોરણ 12 કોર્મસમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાત્રે પરિવારના સભ્યો ટેરેસ પર સુતા હતા. ત્યારે યોગેશે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
આપઘાત કોઈ સોલ્યુશન નથી-વિશેષજ્ઞો
ધોરણ 12ની પરિક્ષામાં યોગેશના બે પેપર ખરાબ ગયા હતા. જેના કારણે તે ટેન્શનમાં હતો. સોમવારે રિઝલ્ટ હોવાથી રિઝલ્ટની પૂર્વ રાત્રીએ તેણે નાપાસ થવાના ડરના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે ડિંડોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પાસ નાપાસ પરીક્ષામાં થવાનું હોય જિંદગીથી નહી. જિંદગીમાં ઘણી પરીક્ષાઓ એવી હોય છે. જેમાં પાસ થઈ શકાય તેમ છે. જેથી આપઘાત ન કરવા અંગે જાણકારો સલાહ આપી રહ્યાં છે.