'હેરા ફેરી' (Hera Pheri) બોલિવૂડની સૌથી પ્રતિષ્ઠિત કોમેડી ફિલ્મોમાંથી એક છે. અત્યાર સુધી ફિલ્મના 2 ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે અને હવે નિર્માતાઓ તેના ત્રીજા ભાગની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મનો ત્રીજો ભાગ ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. ફેન્સ પણ રાજુ, શ્યામ અને બાબુ ભૈયાની ત્રિપુટીને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બંને ભાગમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. પરંતુ, આ દરમિયાન 'હેરા ફેરી' (Hera Pheri) ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. 'હેરા ફેરી' અને 'ફિર હેરા ફેરી' સાથે દર્શકોને હસાવનાર ત્રિપુટી હવે તૂટી ગઈ છે અને ફિલ્મના અભિનેતાએ પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે.

