
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. આ મેચમાં SRHના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી DCની ટીમ ફક્ત 133 રન જ બનાવી શકી હતી. DCની ઈનિંગ પૂરી થતાં જ મેચ દરમિયાન વરસાદ પડ્યો અને SRHની ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં ન આવી શકી. આ પછી, મેદાન ખૂબ ભીનું હોવાથી, અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો અને બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર
SRHની ટીમે અત્યાર સુધીમાં IPLમાં કુલ 11 મેચ રમી છે, જેમાંથી ટીમ ફક્ત ત્રણમાં જ જીતી શકી છે અને એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે. હાલમાં, 7 પોઈન્ટ સાથે, તેની નેટ રન રેટ માઈનસ 1.192 છે. ચાલુ સિઝનમાં તેની ત્રણ મેચ બાકી છે. જો તે આ મેચો જીતી જાય તો પણ તે મહત્તમ 13 પોઈન્ટ સુધી પહોંચી જશે. જ્યારે RCB, PBKS, MI, GT અને DC પાસે 13 કે તેથી વધુ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં, SRHની ટીમ હવે પોઈન્ટ્સ ટેબલના ટોપ-4માં નહીં પહોંચી શકે. આ કારણે, તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને IPL ટાઈટલ જીતવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. CSK અને RR પછી SRH ત્રીજી તીમ્છે જે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. જો વરસાદ ન પડ્યો હોત અને SRH મેચ જીતી ગયું હોત, તો પ્લેઓફ માટેની તેમની આશા જીવંત રહી હોત, પરંતુ એવું બન્યું નહીં.
દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન નિષ્ફળ ગયા
DCની શરૂઆત ખૂબ જ ખરાબ રહી કારણ કે ઓપનર કરુણ નાયર ખાતું ખોલાવ્યા વિના પવેલિયન પરત ફર્યો. તે પેટ કમિન્સના બોલ પર આઉટ થયો હતો. બાદમાં, ફાફ ડુ પ્લેસિસ (3 રન) અને અભિષેક પોરેલ (8 રન) પણ પોતાની ઈનિંગને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ ગયા અને આઉટ થઈ ગયા. કમિન્સ સામે DCના બેટ્સમેન લાચાર હતા. કેએલ રાહુલ (10 રન) અને અક્ષર પટેલ (6 રન) ને પણ રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો.
આવી સ્થિતિમાં, બધાને લાગ્યું કે દિલ્હી કેપિટલ્સ ટીમ ખૂબ જ ઓછા સ્કોર પર આઉટ થઈ જશે. ત્યારબાદ આશુતોષ શર્મા અને ટ્રિસ્ટન સ્ટબ્સે 41-41 રનની ઈનિંગ્સ રમી અને ટીમને 100 રનના આંકને પાર પહોંચાડી. DCની ટીમે 20 ઓવરમાં 133 રન બનાવ્યા હતા.
પેટ કમિન્સે ત્રણ વિકેટ લીધી
SRH માટે પેટ કમિન્સ સૌથી મોટો હીરો સાબિત થયો. તેણે મેચની ચાર ઓવરમાં 19 રન આપીને ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. જ્યારે જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા અને હર્ષલ પટેલે એક-એક વિકેટ લીધી હતી. આ બોલરોના કારણે DCની ટીમ મોટો સ્કોર ન કરી શકી.