
નિમિષા પ્રિયાને યમનમાં બચાવવાની આશા હવે ઓછી છે. સોમવારે સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ મામલે હવે તેઓ વધારે કાંઈ નહીં કરી શકે. નિમિષાને યમનમાં 16 જુલાઈએ મૃત્યુ દંડ મળી શકે છે. તલાલ અબ્દો મહદીના નામના યમનના નાગરિકની હત્યાના મામલે નિમિષા દોષિત સાબિત થઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે કહ્યું કે, આ ખૂબ જ દુ:ખદ છે... અમારી પણ એક મર્યાદા આવી જાય છે. વધુમાં સરકારે કહ્યું કે હવે એક જ રસ્તો છે, યમની નાગરિકનો પરિવાર બ્લડ મનીને સ્વીકારવા માટે તૈયાર થઈ જાય. બ્લડ મની અંતર્ગત પીડિત પરિવારને પૈસા આપવામાં આવે છે. જો કે કેટલા પૈસા આપવા એ બંને પક્ષો મળીને નક્કી કરે છે.
એટોર્ની જનરલ આર વેંકટરમણીએ કોર્ટને કહ્યું કે, ભારત આ મામલે આટલુ જ કરી શકે. અને હવે સરકારની મર્યાદા આવી ગઈ છે. તેમણે કહ્યું કે, સરકાર વધારે કાંઈ ન કરી શકે. યમનની સંવેદનશીલતાને જોતા એ કૂટનિતિક રીતે માન્ય નથી. બ્લડ મની એક ખાનગી કરાર છે. બ્લડ મની એક પ્રકારનું આર્થિક વળતર છે જે પીડિતોના પરિવારને આપવામાં આવે છે.
કેરળના પલ્લકડ જિલ્લાની નિમિષા પ્રિયા મહદી હત્યાના આરોપમાં દોષિત સાબિત થઈ છે. તેણે એક નર્સ સાથે મળીને હત્યા કરી હતી. માહિતી અનુસાર બંનેએ કથિતરીતે એક યમની નાગરિકના મૃતદેહના ટુકડા કર્યા અને એક અંડરગ્રાઉન્ડ ટેંકમાં નાખી દીધો. આ પહેલા નિમિષા પ્રિયાએ આરોપોને ઘણીવાર પડકાર્યા હતા, પરંતુ કોર્ટે તેની અપીલને ફગાવી દીધી હતી.