
પવિત્ર અમરનાથ યાત્રા માટે registrations શરૂ થતા જ યાત્રાળુઓ માટે ફરજિયાત મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા સુરતમાં આજથી શરૂ થઈ ગઈ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલ ખાતે આ કાર્ય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જૂના MICU વિભાગમાં મેડિકલ ચેકઅપ અને ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટી લેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર યાત્રાળુઓ માટે ચેકઅપની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ લોકોને નહીં મળે સર્ટિફિકેટ
મેડિકલ માર્ગદર્શિકા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગાઈડલાઈન્સ પ્રમાણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેમાં 13 વર્ષથી નાના બાળકો તથા 70 વર્ષથી વધુ ઉંમરના વયના અને ગર્ભવતી મહિલાઓ તથા બાયપાસ સર્જરી કરાવનારાઓ અને હૃદયમાં સ્ટેન્ડ મુકાવનારાઓને સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.
તમામ ચેકઅપ કરાશે
મેડિકલ ચેકઅપ માટે આવનાર દરેક યાત્રાળુને તમામ જરૂરી તપાસ – જેમ કે બ્લડ પ્રેશર, શ્વાસની ક્ષમતા, ઈસીજી અને અન્ય ચેકઅપ કરવામાં આવશે. સંપૂર્ણ પ્રક્રિયા વિનામૂલ્યે રહેશે અને કોઈ પણ પ્રકારનું ફી વસૂલવામાં આવશે નહીં. ગત વર્ષે સુરતમાંથી 4100થી વધુ યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ માટે અરજી કરી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દ્વારા રસ દર્શાવવામાં આવી રહ્યો છે.
તંદુરસ્તીને ધ્યાનમાં રાખી સર્ટિ અપાશે
મેડિકલ અધિકારી ડૉ. ભરત ચાવડાએ કહ્યું કે, યાત્રાળુઓ માટે સુનિયોજિત વ્યવસ્થા ગોઠવી છે જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય. અમે તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તજજ્ઞોનું પેનલ તૈયાર કર્યું છે, જે યાત્રાળુઓની તંદુરસ્તીનું મૂલ્યાંકન કરશે. યાત્રા માટે તંદુરસ્તી એ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે અમરનાથ યાત્રાનો માર્ગ ભારે પર્વતીય અને દુર્ગમ છે.