
સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તે રીતે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતે યુવકનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. તિક્ષ્ણ હથિયારના ઘા સહિતની વસ્તુઓના મારથી યુવકનું મોત નીપજ્યું હતું. જેથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવી પડી હતી.
નજીવી બાબતે હત્યા
સચિન GIDC વિસ્તારમાં નજીવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી. ટેમ્પો પાર્કિંગ બાબતે ઝઘડો થતા સળિયાના ફટકા અને ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હતી. અબ્દુલ ખબીર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતક પર અંકુલ પાલ, યુવરાજ પાલ, હસન, નામના ટપોરીએ હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર હત્યા મુદ્દે સચિન GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આંખની પણ ઓળખાણ નહોતી
મૃકતના સંબંધીએ કહ્યું કે, અબ્દુલ ખબીર મારા ભાઈ હતા. દુકાન સામે ગાડી ઉભી રાખી હતી. આ વાતે ઝઘડો થયો હતો. બાદમાં ફટકા મારવામાં આવ્યા હતાં. બાદમાં ચપ્પુના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતાં. અમે પહોંચ્યા હોત તો મામલો શાંત પડી જાત પરંતુ રોડ પર પર ટ્રાફિક જામ હતો. બાદમાં અમે અમારા ભાઈને લઈને હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં તેને મૃત જાહેર કર્યા હતાં. તે ટેમ્પો ચલાવતો હતો. લગ્ન થઈ ગયેલા છે. બે સંતાનો છે. એક છોકરો અને છોકરી છે. મૂળ યુપીના રહેવાસી છીએ. અમારી કોઈ સાથે કોઈ જ દુશ્મની નથી. એક બીજાને ઓળખતા પણ નથી. બસ મારવાનું કારણ માત્ર ગાડી પાર્ક કરવાને લઈને થયેલો ઝઘડો છે. પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી છે.