
સુરત તાપી જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી સંઘ તરીકે ઓળખાતી સુમુલ ડેરીમાં ફરી એકવાર સરકારી આગેવાનો માનસિંગ પટેલ અને રાજુ પાઠક વચ્ચેનો વિવાદ મોવડી મંડળે થાળે પાડ્યો હોય તેમ લાગી રહ્યું છે. બંનેના એકબીજા પ્રત્યેના સુર ફરી બદલાતા ફરી એકવાર જાણે માનસિંગ પટેલ અને રાજુ પાઠક બંને આગેવાનોના સમર્થકો એપ્રિલ ફૂલ બન્યા હોય તેવો ઘાટ થયો છે.
ચૂંટણી સમયે બંને આગેવાનો વચ્ચે વિવાદ
લાખો દૂધ ઉત્પાદકોને જીવાદોરી સમાન ગણાતી સુરત આપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ તરીકે સુમુલ ડેરી તરીકે ઓળખાતી આ સંસ્થા છે. જ્યારે સુમુલ ડેરીની ચૂંટણી નજીક આવે છે. ત્યારે ખાસ કરીને બે દિગ્ગજ સહકારી આગેવાનો માનસિંગ પટેલ અને રાજુ પાઠક વચ્ચેનો વિવાદ સામે આવે છે. ગત સપ્તાહે જ માનસિંગ પટેલ દ્વારા રાજુ પાઠકનું નામ લીધા વગર ડિરેકટરો માનાજ તત્વો સુમુલના એમડીને હાથ ઉગામ્યો તેમજ ભરતી પ્રક્રિયા અટકાવવા સુધીના આક્ષેપો કર્યા હતા. પોતાના નિવેદનમાં સચિવને પણ આ બાબતે રિપોર્ટ કર્યો હોવાનું જણાવ્યું હતું.
રાજુ પાઠકે પણ સમગ્ર વિવાદ કાલ્પનિક ગણાવી ચોંકાવ્યા
આજે સુમુલ ડેરીની બોર્ડ મીટીંગ મળી હતી. બોર્ડ મીટીંગ બાદ બંને આગેવાનોના સુર બદલાયા હોય તેમ વિરોધા ભાસી નિવેદનો કરતા જોવા મળ્યા હતા. આજે માનસિંગ પટેલે એક સપ્તાહ અગાઉ ના પોતાના નિવેદન ભૂલી એમડી અંગેની કોઈ વાત બની ના હોવાનું તેમજ વહીવટ સુચારું પણે ચાલતો હોવાની કેફિયત કરી હતી. ત્યારે સામે પક્ષે રાજુભાઇ પાઠકે પણ સમગ્ર વિવાદ માત્ર ઉપજાવી કાઢેલ હોય બોર્ડમાં તમામ એક રાગીતાથી કામ કરતા હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. ગત ચૂંટણીમાં પણ ચૂંટણીના દિવસો નજીક આવતા માનસિંગ પટેલ દ્વારા રાજુ પાઠક સામે એક હજાર કરોડના ભ્રષ્ટાચાર ના આક્ષેપ પણ કર્યા હતાં. અને તે સમયે પણ ભાજપ મોવડી મંડળે દરમિયાનગીરી કરતા બંને આગેવાનો વચ્ચે સમાધાન કરાવી સુમુલની ચૂંટણી લડાવી હતી.
બોર્ડ મિટિંગ બાદ નિવેદન બદલાયું
ફરી આ વખતે ચૂંટણી આવતા કેટલાક દિવસોથી બંને આગેવાનો વચ્ચે નિવેદનો પણ કરવામાં આવી રહ્યા હતા. બે દિવસ થી ફરી આ વિવાદ ઉગ્ર બનતા મોવડી મંડળે બાજી હાથમાં લીધી હતી. અને મામલો થાળે પાડ્યો હોય તેમ બંને આગેવાનોના મુખેથી જ સબ સલામત હોવાનું સુર વ્યક્ત કર્યો હતો. ત્યારે આ બંને આગેવાનો વચ્ચે દર વખતે સર્જાતો વિવાદ સગવડ્યો હોય તેમ નિવેદન કરવું અને બાદમાં નિવેદન ફેરવી તોડતા બંને આગેવાનોના સમર્થકો ફરી એકવાર એપ્રિલ ફૂલ બન્યા હોય તેમ સભાસદોમાં ચર્ચા રહ્યું છે.