
હજુ ગઈકાલે જ ગુજરાત સહિત દેશભરમાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો આજે સુરેન્દ્રનગરમાં દલિત સમાજના અધિકારોનું ચીરહરણ કરવાનો મામલો સામે આવ્યો છે. અનુસૂચિત સમાજના સ્મશાન આગળ ફાયર સ્ટેશન બનાવી દેવામાં આવતા સ્મશાનમાં જવાનો રસ્તો બંધ થયો છે. જેને પગલે દલિત સમાજના લોકો દ્વારા સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ચક્કાજામ કરવામાં આવ્યો છે.
આ મુદ્દે સુરેન્દ્રનગરમાં કલેક્ટરને રજુઆત કમિશ્નરને રજુઆત છતાં રજુઆતનો નિવેડો ન આવતા સમાજના લોકોમાં રોષ ભભુક્યો છે. રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે અને રિવરફ્રન્ટ પરથી પસાર થતી એસ.ટી બસો સહિતના વાહનોને ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. સમાજના લોકો દ્વારા પહેલા સ્મશાનમાં જવાનો રસ્તો ખુલ્લો કરો પછી રિવરફ્રન્ટ શરૂ થશેની ચીમકી આપવામાં આવી હતી. 2 કલાકના વધુ સમયથી રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે જેને પગલે સીટી વિસ્તારમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ છે. સમાજના લોકો દ્વારા સ્મશાનમાં જવાનો માર્ગ ખુલ્લો કરવા માંગ ઉઠી છે.
જીવતા લોકોની નનામી કાઢી વિરોધ કરવામાં આવ્યો
દલિત સમાજના સ્મશાન મુદ્દે જીવતા લોકોની નનામી કાઢી વિરોધ નોંધાવામાં આવ્યો છે. સ્મશાન આગળ ફાયરબ્રિગેડનું સ્ટેશન બનાવી નાખવામાં આવ્યું અંદર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સમાજની બહેનો દ્વારા કલેક્ટર અને કમિશ્નરના નામના છાજિયા લેવામાં આવ્યા હતા. દલિત સમાજમાં હવે કોઈ મૃત્યુ પામશે તો કલેક્ટર કચેરીમાં અગ્નિસંસ્કાર કરવા અંગેની ચીમકી આપવામાં આવી હતી. જીવતા યુવકોની નનામી કાઢવાની પ્રથમ ઘટના સામે આવી છે. જય ભીમના નારા સાથે લોકોએ સરકારનો વિરોધ કર્યો હતો તેમજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ વ્યકત કરવામાં આવ્યો છે.