મુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને(Tahawwur Rana) ભારત લાવવામાં આવી રહ્યો છે. તહવ્વુર રાણા ભારત પહોંચ્યા બાદ તેના માટે દિલ્હી અને મુંબઈની બે જેલમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમેરિકન ન્યાયતંત્રની ભલામણોને અનુરૂપ રાણા માટે આ તૈયારીઓ કરવામાં આવી છે. રાણાને પ્રારંભિક થોડા અઠવાડિયા સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની કસ્ટડીમાં રાખવામાં આવી શકે છે. હાલમાં, આ આખી પ્રક્રિયા પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
લશ્કરનો સક્રિય સભ્ય રહ્યો છે રાણા
તહવ્વુર રાણા(Tahawwur Rana) આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સક્રિય સભ્ય રહ્યો છે. રાણાએ તેના સાથી ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીને મુંબઈ હુમલાની યોજના બનાવવા માટે ભારતમાં રેકી કરવામાં મદદ કરી હતી. રાણાએ હેડલીને પાસપોર્ટ મેળવી આપ્યો હતો જેથી તે ભારત આવી શકે અને હુમલા માટે લક્ષ્યો પસંદ કરી શકે. હુમલાનું ષડયંત્ર લશ્કરે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને રચ્યું હતું. 26 નવેમ્બર 2008ના રોજ થયેલા મુંબઈ હુમલામાં રાણાએ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ હુમલામાં સામેલ આતંકવાદીઓને પાકિસ્તાનનું સૌથી મોટું લશ્કરી સન્માન મળવું જોઈએ. મુંબઈ 26/11 હુમલામાં સામેલ ફક્ત એક આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. કસાબને કોર્ટમાં સુનાવણી બાદ ફાંસીની સજા આપવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?
આ વર્ષે ફેબ્રુઆરીમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાણાના ભારત પ્રત્યર્પણની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેમને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે રાણા "ન્યાયનો સામનો કરવા માટે ભારત પાછો જઈ રહ્યો છે." આ પ્રત્યર્પણ 2019થી મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોનું પરિણામ છે. ડિસેમ્બર 2019માં ભારતે અમેરિકા પાસેથી રાણાને સોંપવાની માંગ કરી હતી.
દુબઈના માર્ગે ભારત આવ્યો હતો તહવ્વુર રાણા
નોંધનીય છે કે તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને પાકિસ્તાન આર્મીમાં 10 વર્ષ સુધી ડૉક્ટર તરીકે કામ કર્યું હતું. બાદમાં તેણે નોકરી છોડી દીધી હતી. તહવ્વુર રાણા હાલમાં કેનેડાનો નાગરિક છે. રાણા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના મેજર ઈકબાલનો નજીકનો હતો, જેણે મુંબઈ હુમલાની યોજના બનાવી હતી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, રાણા પોતે હુમલા પહેલા 11થી 21 નવેમ્બર 2008 દરમિયાન મુંબઈ આવ્યો હતો. તે દુબઈના માર્ગે ભારત આવ્યો હતો અને પવઈની રેનેસાં હોટેલમાં રોકાયો હતો. હુમલો તેના ગયા બાદ પાંચ દિવસે થયો હતો. અમેરિકન ન્યાય વિભાગના દસ્તાવેજો અનુસાર, રાણા અને હેડલીને 2009માં FBIએ પકડ્યા હતા, જ્યારે તેઓ ડેનમાર્કના એક અખબાર પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

