તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના પગલે નદી-નાળાઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. આ સ્થિતિએ લો લેવલ પુલો તેમજ માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. વ્યારા તાલુકાના ભાનાવાડીથી ખુશાલપુરા તરફ જતો માર્ગ પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉપરાંત જિલ્લામાં કુલ 13 માર્ગો બંધ હાલતમાં છે, જેમાં વ્યારા તાલુકાના 8, ડોલવણ તાલુકાના 2, તેમજ સોનગઢ તાલુકાના 3 માર્ગોનો સમાવેશ થાય છે.
પાણી ભરાતા રસ્તા બંધ થઈ જતાં વાહનચાલકો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આવાજજમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને સલામત રહેવાની અપીલ સાથે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.જિલ્લા વહીવટીતંત્ર સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરી જગ્યાએ રાહત કામગીરી પણ ચાલી રહી છે. તાપી જિલ્લાના લોકો માટે સતર્કતા જાળવવી અનિવાર્ય બની છે.
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા
વ્યારા..97 એમ.એમ
વાલોડ..51 એમ.એમ
ડોલવણ..61 એમ.એમ
સોનગઢ..71 એમ.એમ
ઉચ્છલ..31 એમ.એમ
નિઝર..4 એમ.એમ
કુકરમુંડા..9 એમ.એમ.
ઉકાઈ ડેમની સપાટીમાં વધારો
ઉકાઈ ડેમની સપાટી 318.89 ફૂટ પર પહોંચી છે. ડેમમાં પાણીની આવક 33,368 ક્યુસેક છે. ડેમમાંથી પાણી ની જાવક 800 ક્યુસેક રાખવામાં આવી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમનું રૂલ લેવલ 321 ફૂટ નક્કી કરવામાં આવ્યું છે.