ગુજરાતભરમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. ઠેર ઠેર ભારે વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ગુજરાતમાં ત્રણ સ્થળેથી ડૂબવાની ઘટના સામે આવી રહી છે. જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે જ્યારે અન્ય 2ની શોધખોળ ચાલી રહી છે.
વડોદરામાં કિશોર તળાવમાં ડૂબ્યો
વડોદરામાં એક કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના ફતેપુરા અડાણીયા પુલ સરશિયા તળાવની આ ઘટના છે, જેમાં તે વિસ્તારમાં રહેતો માહિર મન્સૂરી મહોરમનો પર્વ હોઈ સરશિયા તળાવ મિત્રો સાથે ગયો હતો. જ્યાં તરવા માટે પાણીમાં ટ્યૂબ નાખતા જ ટ્યૂબ આગળ જતી રહી દરમિયાન માહિર ટ્યૂબ પર ડાઇવ લગાવતા ડૂબી ગયો હતો. સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગ દ્વારા ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાપીમાં બે ખેડૂત નદીમાં તણાયા
તાપીના ઉચ્છલ તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે નદીમાં બે લોકો તણાયા હોવાનું સામે આવ્યું છે. ઉચ્છલ તાલુકાના માણેકપુર નજીક નદીમાં બે આધેડ તણાઈ જતા એકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. ખેતરે જતા બે ખેડૂત તણાઈ ગયા હતા. રતિલાલભાઈ ગાવિત અને સુરેશભાઈ ગાવિત નામના ખેડૂત નદીના વહેણમાં તણાઈ ગયા હતા, જેમાંથી રતિલાલાભાઈ ગાવિતનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય આધેડની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠામાં સેલ્ફીના ચક્કરમાં યુવાન સાબરમતીમાં ગરકાવ
ઈડર તાલુકાના સપ્તેશ્વરમાં મહેસાણા જિલ્લાના કટોસણનો યુવાન સેલ્ફી લેવા જતા પાણીમાં ગરકાવ થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. સૂચનાઓ છતાં જીવના જોખમે સેલ્ફી લેવા જતો યુવાન પાણીમાં ગરકાવ થયો છે. ઈડર અને હિંમતનગર ફાયર બ્રિગેડે યુવાનની શોધખોળ ચાલુ કરી છે. બે કલાક થવા છતાં યુવાનો કોઈ અતોપતો નહિ.