
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે સવારે વરસાદી માહોલ જામ્યો હતો. સવારે 8થી 10 કલાક દરમિયાન જિલ્લાના ચાર તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. વ્યારા તાલુકામાં સૌથી વધુ 28 મીમી વરસાદ નોંધાયો હતો. વાલોડમાં 25 મીમી, સોનગઢમાં 6 મીમી અને નિઝરમાં 5 મીમી વરસાદ પડ્યો હતો.
ખેડૂતોને અને નાગરિકોને મળી રાહત
વ્યારા શહેરમાં મિશન નાકા, સ્ટેશન રોડ, મુસા રોડ અને કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. ધીમી ધારે વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે ખેડૂતો અને નાગરિકોને રાહત મળી હતી.