
Donald Trump's Tariff War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોડવાનું શરૂ કરી દીધું છે. 90 દિવસની શાંતિ પછી, તેઓ ફરીથી એક પછી એક ટેરિફ અંગે જાહેરાતો કરી રહ્યા છે. એવામાં હવે ટ્રમ્પ સાત દેશો સાથે વેપારને લઈને મોટી જાહેરાત કરવાના છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, 'અમે કાલે સવારે વેપાર સંબંધિત ઓછામાં ઓછા 7 દેશોની યાદી જાહેર કરીશું, બપોરે કેટલાક વધુ દેશોની યાદી જાહેર કરવામાં આવશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!'
ટ્રમ્પ ટેરિફ અંગે મોટી જાહેરાત કરવાની શક્યતા
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ જાહેરાત ફક્ત વેપાર સંબંધિત હશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ ટેરિફ અંગે મોટી જાહેરાત કરી શકે છે.
અગાઉ પણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'BRICSની રચના અમેરિકન હિતોને નબળા પાડવા માટે કરવામાં આવી છે, આથી બ્રિક્સ દેશોમાંથી આવતા સામાન પર 10% ટેરિફ લગાવવામાં આવશે.'
https://twitter.com/ANI/status/1942739448225227030
અગાઉ 14 દેશોને પત્ર લખીને ભારે ટેરિફ લાદવાની જાહેરાત
સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે 14 દેશોને પત્ર લખીને આ દેશોના ઉત્પાદનો પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આમાં જાપાન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે પોતાના નિર્ણયને અમેરિકા અને આ દેશો વચ્ચે વેપાર ખાધ ઘટાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.
કયા દેશ પર કેટલો ટેરિફ?
જાપાન: 25% ટેરિફ
દક્ષિણ કોરિયા: 25% ટેરિફ
મ્યાનમાર: 40% ટેરિફ
લાઓસ: 40% ટેરિફ
દક્ષિણ આફ્રિકા: 30% ટેરિફ
કઝાકિસ્તાન: 25% ટેરિફ
મલેશિયા: 25% ટેરિફ
ટ્યુનિશિયા: 25% ટેરિફ
ઇન્ડોનેશિયા: 32% ટેરિફ
બોસ્નિયા: 30% ટેરિફ
બાંગ્લાદેશ: 35% ટેરિફ
સર્બિયા: 35% ટેરિફ
કંબોડિયા: 36% ટેરિફ
થાઇલેન્ડ: 36% ટેરિફ.