
Teacher Recruitment Cancelled: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ છે, ત્યારે ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જ્યારે હવે આ ભરતીને લઈને નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ધો. 1થી 5 માટે વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની ભરતી અન્વયે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા મુદ્દે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર 'રિઝલ્ટ' શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતાં ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શકયતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટેની વિદ્યાસહાયક ભરતી વર્ષ 2024 માટે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા 22 મે 2025થી શરૂ કરવામાં આવી છે. જ્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉમેદવારોના મેરીટમાં ફેરફારને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે અન્ય ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી 22 મે 2025થી 31 મે, 2025 સુધી કરવામાં આવેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે વિદ્યાસહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમ મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરીટ ગણતરી બાદ હવે નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ નિર્ણય કર્યો છે. જ્યારે હવે આ ભરતીને લઈને નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.