
ગુજરાતના વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં ભયંકર ગરમી પડી રહી છે. રાજકોટમાં ગરમીએ 133 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 1892 પછી એપ્રિલ મહિનામાં રાજકોટમાં સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જે ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન છે.
રાજકોટવાસીઓ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે
આ ગરમીને કારણે રાજકોટવાસીઓ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જરૂરી કામ વિના ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીથી બચવા લોકો ટોપી, ચશ્મા અને રૂમાલની ખરીદીમાં વધારો કરી રહ્યા છે. બજારમાં આ વસ્તુઓની માગમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
8 શહેરમાં હીટવેવ
આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટ સૌથી વઘુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહ્યુ છે. એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વઘ્યું છે. આજે મૌસમ વિભાગ અનુસાર ઈ.સ.1892 થી એપ્રિલ માસના મહત્તમ તાપમાનની થતી નોંધ મૂજબ રાજકોટમાં 133 વર્ષનું સૌથી વઘુ 45.2 સે. વિક્રમજનક તાપમાન નોંધાયું છે. ગઈકાલ સુધી રાજકોટમાં એપ્રિલ માસનું 133 વર્ષનું સૌથી વઘુ તાપમાન તા.14-04-2017ના નોંધાયું હતું જે રેકોર્ડ આજે તૂટ્યો છે.
બપોરે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે
અમદાવાદ, સુરત, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ભુજ, ડીસા અને ગાંધીનગર સહિતના 8 જેટલા શહેરોમાં હિટવેવ રહી. દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોરના સમયે ગરમ પવન સાથે શહેરીજનો લૂથી હેરાન થઈ ગયા હતા. અમદાવાદની વાત કરીએ તો સીઝનનું સૌથી વઘુ મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી આજે નોંધાયુ હતુ. જ્યારે આજે બપોરે 12 વાગ્યાથી જ તાપમાન 40 ડિગ્રી પર પહોંચી ગયુ હતુ અને બપોરના સમયે બેથી ત્રણ કલાક રસ્તાઓ પર વાહનોની અવર જવર પણ ઘટી હતી.