
છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ટેમ્પો ગ્રામ પંચાયતોને કચરો ઉઠાવવા માટે આપવાની યોજનામાં 40 ટેમ્પા ખરીદવામાં આવ્યા હતાં. ગ્રામ પંચાયતો પાસે ટેમ્પો ચલાવવામાં માટે ડ્રાઈવર નથી તેમજ આ થ્રી વ્હીલ ટેમ્પા કચરો ભરીને ઢાળ વાળા રસ્તા ઉપર ઢાળ ચઢતા નથી. જ્યારે આવા થ્રી વ્હીલ ટેમ્પો ને લઈને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ટેમ્પો વિતરણ ના કાર્યક્રમમાં હાજરી ના આપી હતી અને રોષે ભરાયા હતા.
ડ્રાઈવરના નાણાની જોગવાઈ નથી
છોટાઉદેપુરમાં નસવાડી બોડેલી પાવીજેતપુર કવાંટ સંખેડા છોટાઉદેપુર આમ 6 તાલુકા આવેલા છે. જેમાં એક કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક થ્રી વ્હીલ ટેમ્પો અલગ અલગ ગ્રામ પંચાયતોમાં ફાળવવા માટે છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મંગાવવામાં આવ્યા છે. એક કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ખર્ચ પાડવા માટે સાધનો ખરીદવામાં આવ્યા છે. પરંતુ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલ ટેમ્પા છે. તે ગામડાઓની ગ્રામ પંચાયતોમાં કચરો ઉઠાવવા માટે ફાળવણી કરવામાં આવશે. પરંતુ ગ્રામ પંચાયતો પાસે થ્રી વ્હીલ ટેમ્પો ચલાવવા માટે ડ્રાઈવર રાખવા માટે નાણાની જોગવાઈ નથી.
ટ્રેકટરની ફાળવણીની માગ
આ થ્રી વ્હીલ ટેમ્પામાં કચરો ભરવામાં આવે અને વજન થાય ત્યારે આ થ્રી વ્હીલ ટેમ્પા ચાલતા નથી. અગાઉ આવા થ્રી વ્હીલ ટેમ્પા આપવામાં આવેલ છે. તે અનેક ગ્રામ પંચાયતોમાં ઢાળ નથી ચઢતા તેવી ફરિયાદો ઉઠવા પામેલ છે. આદિવાસી વિસ્તારમાં દરેક ગ્રામ પંચાયતોમાં ગામની બહાર અને કોતરોમાં કચરો નાખવા જાય ત્યારે આ ટેમ્પા કચરો ભરીને ચઢતા ના હોય ત્યારે આવા ટેમ્પો આપીને પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય થાય છે. આની જગ્યા ઉપર ટ્રેક્ટર મોટી ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવે તો ઉપયોગી બને તેમ છે. મોટી ગ્રામ પંચાયતો જે ડ્રાઈવર રાખી શકે તેવી ક્ષમતા વાળી ગ્રામ પંચાયતોમાં ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવે તો ઉપયોગી બની શકે તેમ છે.